મોરબી: મોરબી મહાપાલિકામાં સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે હેતુથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કલસ્ટર-4 હેઠળ આવતા ભડીયાદ વિસ્તારમાં સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. નાયબ કમિશનર સંજયકુમાર સોનીએ સો-ઓરડી મેઈન રોડ, ચામુંડા નગરથી ઉમિયા નગર મેઈન રોડ અને માળીયા વનાડીયા સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સફાઈ કામદારોને સમગ્ર વિસ્તારમાં વ્યવસ્થિત રીતે સફાઈ કરવા અને ક્યાંય ગંદકી ન રહે તે જોવા જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં, નાયબ કમિશનરે આ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન પોઈન્ટ પરથી નિયમિત કચરો ઉપાડવા અને તેનો યોગ્ય નિકાલ કરવા તાકીદ કરી હતી. માળીયા વનાડીયા, શક્તિ સોસાયટી અને ત્રણ મંદિર જેવા વિવિધ GVP (ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ) પર સફાઈની સ્થિતિ ચકાસીને તંત્રને સતર્ક રહેવા જણાવાયું હતું.