ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈને અન્યાય મામલે તમામ પાટીદાર સંસ્થાઓ સાથે ચર્ચા કરી લડત આપશેજયસુખભાઈ જવાબદાર હોય તો કલેકટર, ચીફ ઓફિસર અને કરાર કરનાર પાલિકાના પદાધિકારીઓ પણ એટલા જ જવાબદારરાજકોટમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાની પત્રકાર પરિષદ મોરબી : મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમા તપાસનીશ એજન્સી એસઆઇટી દ્વારા અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલને જવાબદાર ઠેરવતો રિપોર્ટ રજૂ કરતા આ મામલે અગાઉ સીટ ઉપર આક્ષેપો કરનાર ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી સીટની તપાસને એક તરફી ગણાવી કહ્યું હતું કે, જો જયસુખભાઈ પટેલ જવાબદાર છે તો કરાર કરનાર પાલિકાના ચીફ ઓફિસર, પદાધિકારીઓ અને કલેકટર પણ એટલા જ જવાબદાર છે, સાથે જ આગામી એક મહિનામાં લેઉવા અને કડવા પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ સાથે મળી અન્યાય સામે સરકાર વિરુદ્ધ રણશીંગુ ફૂંકશે.આજરોજ રાજકોટ ખાતે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સીટ એટલે કે એસઆઇટી દ્વારા થયેલ તપાસ એક તરફી છે એટલે જ અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ વિરુદ્ધ એકતરફી રિપોર્ટ કરવામાં આવ્યો છે. હકીકતમાં સીટ દ્વારા નિષ્પક્ષ તપાસ નથી થઈ અધિકારીઓને બચાવી લઈ એક માત્ર અજંતા ગ્રૂપને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.વધુમાં લાલિત કગથરાએ ઉમેર્યું હતું કે મોરબીની વિરાસત એવા ઝૂલતા પુલની જાળવણી અને સંચાલન માટે થયેલા કરારમાં કેટલા લોકોને પુલ ઉપર જવા દેવા, કેટલા ને નહિ, પુલ નીચે લાઈફ સેવિંગ બોટ રાખવી, મુલાકાતીઓ માટે લાઈફ સેવિંગ જેકેટ રાખવા જેવી બાબતો એસોપીમાં સમાવેશ કરવામાં ન આવી હતી. જેથી આ દુર્ઘટનામાં જો જયસુખભાઈ પટેલને જવાબદાર ગણવામાં આવતા હોય તો તત્કાલીન કલેકટર, નગર પાલિકાના ચીફ ઓફિસર અને કરાર કરનાર પાલિકાના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે.દરમિયાન લલિત કગથરાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જયસુખભાઈ પટેલ સંપૂર્ણ પણે ભાજપ સમર્થીત હોવા છતાં ભાજપે તેમનો ફાયદો લઈ મુશ્કેલીની ઘડીમાં સાથ આપ્યો નથી એટલે જ તો આજે પાટીદાર સમાજનો યુવા વર્ગ અમને આ અન્યાય સામે અવાજ ઉઠવવા કહી રહ્યો છે તેમ જણાવી મોરબીના ભાજપના નેતાઓ વિરુદ્ધ પણ ટિપ્પણી કરી 2022ની ચૂંટણીમા સરકારની છબી ન ખરડાઈ તે માટે અધિકારીઓને બચાવવા માટે જ સીટે એકતરફી કાર્યવાહી કરી હોવાનું તેમને જણાવ્યું હતું.આ પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સીટની તપાસને એક તરફી ગણાવી જયસુખભાઈ પટેલને હોળીનું નાળિયેર બનાવી દેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી આગામી એક મહિનામાં ઉમિયાધામ ઊંઝા, સીદસર, ગાંઠીલા અને ખોડલધામ સહિતની તમામ પાટીદાર સંસ્થાઓના આગેવાનો સાથે વિચાર વિમર્શ બાદ મોરબી અથવા રાજકોટથી જયસુખભાઈને થયેલા અન્યાય મામલે સરકાર સામે લડતનું રણશીંગુ ફૂંકવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.