સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા હોસ્પિટલ તંત્રને રજૂઆત કરાઈમોરબી : મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરાયો હોવા છતાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસના દર્દીઓનો ચેસ્ટ અને ટીબીની ઓપીડીમાં સારવાર તથા નિદાનમાં હેરાનગતિ થઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ ચેસ્ટ એને ટીબીની ઓપીડીમાં સારવાર તથા નિદાન કરી શકે તેવા નિષ્ણાત તબીબોની નિમણૂક કરવા તથા ગજરાજભાઇ જાધવ નામના દર્દીને બહારથી લખી આપેલી દવાના ખર્ચની રીએમ્બર્સમેન્ટ ચૂકવી આપવા અંગે હોસ્પિટલના અધિક્ષકને રજૂઆત કરાઈ છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે સિલિકોસિસ દર્દીઓને તમામ સારવાર અને દવા નિઃશુલ્ક મળે તેવો હુકમ કલેકટર દ્વારા તા. 11/06/2024 રોજ કર્યો હતો પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે સિલિકોસિસ દર્દીઓ સારવાર માટે આવે ત્યારે ટીબી ચેસ્ટ ઓપીડી રૂમ નંબર 20 માં બેઠેલા તબીબી અધિકારી તેની સારવાર કરવામાં પોતાને અસમર્થ હોવાનું જણાવે છે અને રૂમ 9 માં જાવ એવું જણાવે છે. ત્યાં લાંબી લાઇન હોવાથી સિલિકોસિસ દર્દી હેરાન પરેશાન થઈ જાય છે. ઘણી વાર એવું બને છે કે સિલિકોસિસ દર્દીને જે દવાઓ લખી આપવામાં આવે તે દવા હોસ્પિટલ ખાતે સ્ટોકમાં ન હોય ત્યારે દર્દીને તે દવા ખુલ્લા બજારમાંથી ખરીદવાની ફરજ પડે છે. દર્દી પોતાની બીમારીને કારણે કશું કમાઈ શકે તેમ ન હોય અને આવક શુન્ય હોય ત્યારે તે બહારથી દવા ખરીદી શકતા નથી અને દર્દી દવાથી વંચિત રહી જતા હોય છે. ત્યારે ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે અને દવાનો પૂરતો સ્ટોક રાખવામાં આવે તેવી માગ કરાઈ છે.