મોટી સંખ્યામાં લોકોએ આ બનાવમાં આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયુંહળવદ : હળવદની જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોશની કેમ ફૂડમાં ગૌવંશ હત્યાના બનાવમાં કાયદેસર કડક કાર્યવાહી કરવા માટે હળવદના વિવિધ સંગઠનોએ વિશાળ મૌન રેલી કાઢી આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.આવેદન પત્રમાં જણાવ્યું છે કે હળવદ GIDC વિસ્તારમાં આવેલ “રોશની કેમ ફૂડ” તરીકે ઓળખાતા મીઠાના કારખાનાના અગાશી (ધાબા) પર ધોળા દિવસે ગૌવંશની નિર્દય હત્યા કરી અને તેને રાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતાં સમગ્ર હળવદ શહેરમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાઈ છે. આ હીન અને નિંદનીય કૃત્ય હળવદની શાંતિ, ધાર્મિક ભાવનાઓ તથા સામાજિક એકતાને ઘોર આઘાત પહોંચાડે છે. આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતાં હળવદના સર્વ સમાજના આગેવાનો, વેપારી સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકોએ એકસૂરમાં માંગ કરી છે કે ઘટનાની તાત્કાલિક, નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે તેમજ તમામ આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.આ બાબતે હળવદ અસ્મિતા મંચ, વિશ્વ હિન્દુ પરિષદ – હળવદ પ્રખંડ, હળવદ વેપારી મહામંડળ, હળવદ ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સામાજિક સંગઠનોના સંયુક્ત આહ્વાન હેઠળ આજે તારીખ 23 જાન્યુઆરીના રોજ શ્રી રામ ગૌશાળાથી મામલતદાર ઓફિસ સુધી શાંતિપૂર્ણ મૌન રેલી કાઢવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર આપીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.