ગુજરાત ગેસ કંપનીનો વપરાશ 10થી 11 લાખ ક્યુબીક મીટર પ્રતિ દિવસ પર સ્થિર : પ્રોપેનના ભાવમાં પણ તોળાતો ભાવ વધારોમોરબી : સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ બનાવવાની ઘેલચ્છામાં અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા જંગમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ બરાબરનો પીસાઈ રહ્યો છે ત્યારે ચાલુ સપ્ટેમ્બર માસ બાદ આગામી ઓક્ટોબર મહિનામાં પણ સિરામિક ઉદ્યોગ માટે જોર કા ઝટકા ધીરે સે ઉક્તિ મુજબ પ્રોપેન અને નેચરલ ગેસમાં ભાવ વધારાનો ડામ સહન કરવા પડે તેવા સંકેતો મળી રહ્યા છે. પ્રોપેન સપ્લાયરો 1 ઓક્ટોબરે નવો ભાવ વધારો જાહેર કરે તેવી શકયતા વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ તા.28 વીતવા છતાં સીરામીક ઉદ્યોગકારો પાસેથી આગામી મહિનાથી ડિમાન્ડ માટેના ઇ-મેઇલ કર્યા ન હોય ગત માસની જેમ જ ભાવ વધારાનો પેચ ફસાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઈરાન - અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ફારસની ખાડી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ક્રૂડ ઓઈલના જહાજોનું પરિવહન અટકી જતા વૈશ્વિક પેટ્રોલિયમ પુરવઠાને માઠી અસર પડી છે. બીજી તરફ ખાડી દેશોમાંથી પેટ્રોલિયમ સપ્લાય ખોરવાતા તેની સીધી જ અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે અને હાલમાં સિરામિક ઉદ્યોગને મોંઘા ભાવે ગેસ સપ્લાય થઈ રહી હોય ઉદ્યોગના ઉત્પાદન પર સીધી અસર પડી છે. જૂન, જુલાઇ મહિનામાં વ્યાજબી ભાવે ગેસ મળ્યા બાદ ઓગસ્ટમાં ગેસના ભાવમાં ઉછાળો આવ્યો હતો.જે બાદ સપ્ટેમ્બર માસમાં ગેસના ભાવ ઐતિહાસિક સપાટી વટાવી ગયા હતા.જેમાં ગુજરાત ગેસ બાદ પ્રોપેન સપ્લાય કરતી સરકારી ગેસ કંપનીએ સપ્ટેમ્બર માસમાં ત્રણ ત્રણ વખત ભાવ વધારો કરતા પ્રોપેનના ભાવ 98 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે જ્યારે નેચરલ ગેસના ભાવ પણ 100ની સપાટી વટાવી ગયા છે.દરમિયાન દર મહિને ગુજરાત ગેસ કંપની તા.25ની આસપાસ સિરામિક ઉદ્યોગ પાસેથી એડવાન્સમાં ડિમાન્ડ મંગાવી ભાવ નક્કી કરી એમજીઓ માટે દરેક ઉદ્યોગકારોને ઇ-મેઇલ કરી ડિમાન્ડ મંગાવે છે પરંતુ ગત મહિનાની જેમ જ આ મહિને તા.28 વીતી જવા છતાં હજુ સુધી એમજીઓ અંગેના ઇ-મેઈલ કર્યા ન હોય ફરી ભાવ વધવાના સંકેત મળી રહ્યા છે.નોંધનીય છે કે, ગેસના ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા હોવાથી અનેક ઉદ્યોગોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘરાકીના અભાવે પ્રોડક્શન બંધ કર્યા છે જેની સીધી અસર ગેસના વપરાશ પર પડી છે. હાલમાં નેચરલ ગેસનો વપરાશ 10થી 11 લાખ ક્યુબીક મીટર પર સીમિત થયો છે જ્યારે પ્રોપેનનો વપરાશ પણ ઘટીને 50 લાખ ક્યુબીક મીટરની અંદર આવી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.