આશિષ વિડજા 7 વખત કલાસ વન અધિકારીની પરીક્ષામાં મેઈન સુધી પહોંચ્યા, ત્યારબાદ ત્રણમાં તો ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા પણ ત્યાંથી આગળ ન વધી શક્યા : અંતે મહેનત અને આત્મવિશ્વાસના જોરે તેઓએ ગુજરાતમાં પ્રથમ નંબરે આવી સફળતા સર કરીમોરબી : સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય...મોરબીના આશિષ વિડજા જીપીએસસીની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવીને કલાસ વન અધિકારી બન્યા છે. તેઓની આ સફળતા આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મોરબીના હજારો યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. આશિષ વિડજાની જર્ની જોઈએ તો તેમના પિતા પરષોત્તમભાઈ વિડજા જેઓ મૂળ વાઘપર ગામના હતા. વર્ષો પૂર્વે તેઓ મોરબીના વિજયનગરમાં આવીને વસ્યા હતા. પરષોત્તમભાઈ પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા. પણ હાલ તેઓ નિવૃત છે. આશિષ વિડજાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. ત્યારબાદ તેઓની પત્નીનો સ્પોર્ટ મળતા તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. જો કે તેઓ સાથે ખાનગી જોબ પણ કરતા હતા. દિવસ દરમિયાન તેઓ જોબ કરતા અને રાત્રીના સમયે તેમજ રજાના દિવસોમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. વર્ષ 2019માં તેઓને ત્યાં પુત્રનો જન્મ થયો. ઉપરાંત ત્યારબાદ પત્નીની તબિયત ખરાબ રહેતા તેઓને તૈયારીમાં બ્રેક પણ આવ્યો હતો. આશિષ વિડજા અત્યાર સુધીમાં કલાસ વનની 7 જેટલી પરીક્ષાના મેઈન સુધી પહોંચ્યા હતા. જેમાં 3 પરીક્ષામાં તો તેઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા હતા. પણ તેઓને સફળતા મળી ન હતી. કોઈ સામાન્ય વ્યક્તિની જેમ તેઓએ અસફળતાથી નાસીપાસ થવાને બદલે વધુ મહેનત કરવાનું નક્કી કર્યું. અંતે તાજેતરમાં જીપીસીએસસી દ્વારા લેવાયેલ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડિરેક્ટરની પરીક્ષામાં મેઈન અને ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાસ કર્યું. તેઓએ આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આમ તેઓએ આત્મવિશ્વાસ અને મહેનત થકી પોતાના પરિવારનું તેમજ મોરબીનું નામ રોશન કર્યું છે. ____________________________________પરિણામથી નિરાશ ન થવું, સતત આગળ વધતા રહેવું જોઈએઆશિષ વિડજા જણાવે છે કે તેઓનો ગોલ હતો કે કલાસ વન અધિકારી બનવું છે. અનેકવાર અસફળતા મળી પણ તેઓ સતત મહેનત કરતા ગયા અને અંતે તેઓને સફળતા મળી છે. તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને મેસેજ આપ્યો છે કે ક્યારેય પરિણામથી હતાશ ન થવું, તૈયારીમાં શુ ખામી રહી છે તે વિચારીને તે દિશામાં તૈયારી વધારીને આગળ વધવું જોઈએ.____________________________________