કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ મોરબી જિલ્લાના બે કલ્સ્ટર સમાવેશ કરાયો : રવાપર અને ટીકર કલ્સ્ટરમાં સમાવિષ્ટ આજુબાજુના ગામોમાં વિવિધ વિભાગો દ્વારા વિકાસ કામો કરાશે મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત તા. ૬-૯-૧૯ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના કેન્દ્ર સરકારના ગ્રામીણ મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય રૂર્બન મિશન યોજના હેઠળ ગામોના સમુહને સાંકળી ગામડાઓના સમૂહનો વિકાસ કરવાનો છે કે જે પ્રાકૃતિક રૂપે શહેરી જણાય તેવી સુવિધાઓ સાથે સમાધાન કર્યા વિના સમાનતા અને સમાવિષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ સમુદાયના જીવનના સારને જાળવી રાખે છે અને તેનું સંવર્ધન કરે છે. આ મિશન સ્થાનિક આર્થિક વિકાસનું અનુકરણ કરવા પાયાની સેવાઓ વધારવા અને સુવ્યવસ્થિત રૂર્બન કલ્સ્ટરો બનાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લાના ફેઝ-૧માં મોરબી તાલુકાના રવાપર ગામ તેમજ તેની આજુબાજુના ૪ ગામો અને ફેઝ-૨માં હળવદ તાલુકાના ટીકર ગામ તેમજ તેની આજુબાજુના ૧૦ ગામોનો સમાવેશ કરી ટીકર કલ્સ્ટરનું નિર્માણ કરવામાં આવેલ છે. કલ્સ્ટરના ગામોમાં જરૂરી ખુટતી માળખાગત સુવિધાઓનો વિકાસ કરવા શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત જરૂરી કામોની વિગતો મેળવી દરેક કલ્સ્ટરમાં ઇન્ટીગ્રેટેડ કલ્સ્ટર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. તૈયાર થયેલ પ્લાન અનુસાર સરકારના વિવિધ વિભાગો દ્વારા કલ્સ્ટરના ગામોમાં કામ હાથ ધરવામાં આવે છે. આ કામો કરવામાં વિભાગોને નાણાંકીય જરૂરીયાત જણાય તેવા કામો ક્રિટીકલ ગેપ ફંડ (સી.જી.એફ.)ના ફંડ માંથી કરવામાં આવે છે જેનું વિભાગો સાથેનું સંકલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત કરવામાં આવે છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લામાં બે કલ્સ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આશરે ૫૫ કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. કલ્સ્ટર ૧માં મોરબી તાલુકાનું રવાપર અને તેની આસપાસના ગામો અને કલ્સ્ટર-૨માં હળવદ તાલુકાનું ટીકર ગામ અને તેની આસપાસના ગામોનો સમાવેશ કરીને આ યોજના વિકાસના કામો હાથ ધરવામાં આવશે. આ યોજનાના ફેઝ-૧માં રવાપર કલ્સ્ટરના ગામોમાં રવાપર, લીલાપર, લાલપર, ભડીયાદ, જોધપર (નદી)નો સમાવેશ થયેલો છે. તમામ ગામોમાં ક્રિટીકલ ગેપ ફંડ (સી.જી.એફ.) દ્વારા અંદાજે રૂ. ૩ કરોડના કુલ ૭ કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કામોમાં ભુગર્ભ ગટર, રોડના કામો, નવી એમ્બ્યુલન્સ, પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ અને ડિઝીટલ ક્લાસરૂમ, નવી આંગણવાડીનું બાંધકામ અને રીપેરીંગ તેમજ પાણી સપ્લાયના કામો હાથ ધરવામાં આવશે. ફેઝ-૨માં ટીકલ કલ્સ્ટરના ગામો જેમાં ટીકર, અજીતગઢ, ખોળ, માનગઢ, મયાપુર, મીયાણી, જુના અમરાપર, ચાડધ્રા, નવા ઘનશ્યામગઢ, ઇન્ગોરાળા, નવા ઘાટીલાનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં આ યોજના હેઠળ અંદાજે ૨૫ કરોડ રૂપિયાના ૧૭ કામો હાથ ધરવામાં આવશે. ટીકર કલ્સ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં બસ સ્ટેન્ડ છાપરીના કામો, કૌશલ્ય વર્ધન કેન્દ્ર માટે બાંધકામનું કામ, સુક્ષ્મ પિયત પદ્ધતિની કૌશલ્ય વર્ધન તાલિમ, સી.સી. રોડ, રોજગારલક્ષી તાલીમ, કચરો એકઠો કરવા માટેના સાધનોની ખરીદી, નવી એમ્બ્યુલન્સ, માધ્યમીક શાળામાં રમત-ગમતના સાધનો, પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ, નવી આંગણવાડીનું બાંધકામ, પર્યટન સ્થળના વિકાસ કામો, નવા તળાવ ઊંડા કરવા અને વેસ્ટ વિયરનું કામ, પર્યટન સ્થળના બાંધકામના વિકાસના કામો સહિત અનેક નવા કામો આ યોજના હેઠળ હાથ ધરવામાં આવશે.