મોરબી: સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના કુળદેવી શ્રી વરિયા માતાજી, ગુરુ પ્રેમદાસબાપુની અસીમ કૃપા અને આશીર્વાદ તથા મોરબી વરિયા મંદિરના મહંત વિરદાસબાપુની ઈચ્છા તેમજ પ્રેરણાશક્તિથી સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે આગામી તારીખ 30 માર્ચ થી 5 એપ્રિલ સુધી પ્રજાપતિ સમાજની વાડી સો-ઓરડી મોરબીના વરિયા મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ (મોક્ષગાથા)નું આયોજન કરવામાં આવ્યું છે. પોથી યાત્રા તારીખ 29 માર્ચ ને બુધવારે સાંજે 4 કલાકે નીકળશે. જેની તડામાર તૈયારીઓ જય ગુરુદેવ ગ્રુપ વરિયા મહિલા મંડળ તેમજ પ્રજાપતિ સમાજના યુવા કાર્યકર્તાઓ દ્વારા કરાઈ રહી છે. આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર વક્તા શાસ્ત્રી જનકભાઈ કેશવલાલ પંડ્યા (ગજડીવારા) વ્યાસપીઠ પર બિરાજીને સુમધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન આવતા દરેક પાવન પ્રસંગો ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. કથા દરમ્યાન તારીખ 30 માર્ચ થી તારીખ 3 એપ્રિલ સુધી દરરોજ રાત્રીના 9 થી 12 ધૂન ભજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં વરિયા મહિલા ધૂન મંડળ, ઠાકર ભજન મંડળ, ગોકુળના બાલાહનુમાન ધૂન મંડળ, બાપા સીતારામ ધૂન મંડળની સાથે અનેક નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમો યોજાશે. તેમજ તારીખ 4 એપ્રિલના રોજ સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આરાધ્યદેવી શ્રી વરિયા માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયું છે અને રાત્રે 9-30 કલાકે ભવ્ય ડાકડમરુંના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ડાકડમરુના સુપ્રસિદ્ધ કલાકાર રાવળદેવ ઉમેશભાઈ મકવાણા ગ્રુપ- મોરબી જમાવટ કરશે. સમગ્ર કથા દરમ્યાન વરિયા પ્રજાપતિ સમાજના ગુરુદ્વારા નકલંકધામ હડમતીયાના મહંત ગુરુ મેહુલદાસબાપુ, કર્મયોગી આશ્રમ વાવડીથી જયરાજનાથજી બાપુ, ધોમગીરી ટેકરી આશ્રમ- જેસરથી મધુરામબાપુ સહીત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહેશે. તેમજ કથા પુર્ણાહુતી તારીખ 5 એપ્રિલના દિવસે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ જ્ઞાતિભોજન (નાત)નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.