મોરબી: મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ રેઈન્બો પ્રી સ્કૂલમાં આજરોજ જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર પર આધારિત પ્રસંગો દર્શાવતી પ્રદર્શનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રી સ્કૂલના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો દ્વારા શ્રીકૃષ્ણ, રાધાજી, ગોપી, વાસુદેવ, દેવકી, કંસ, નંદબાબા, સુદામા જેવા વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી ભગવાન શ્રીકૃષ્ણના જીવન પ્રસંગોના આબેહૂબ દ્રશ્યો ઉભા કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓ ભગવાન શ્રીકૃષ્ણના જીવન વિશે જાણે તે હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના દરેક વાલીઓએ તેમજ અન્ય લોકોએ પણ બહોળી સંખ્યામાં આ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી.