લોકો પિતૃઓ મોક્ષાર્થે શ્રાદ્ધ અને નારાયણ બલી વિધિ કરશે મોરબી : ભાદરવા મહિનામાં ગણપતિ મહોત્સવ પુરા થયા બાદ શ્રાદ્ધ કાર્ય શરૂ થાય છે. ત્યારે આવતીકાલથી મોરબીમાં શ્રાદ્ધ કાર્ય શરૂ થશે વર્ષોથી પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે મોરબીનું રફાળેશ્વર મહાદેવ મંદિર પવિત્ર માનવમાં આવે છે. એટલે આવતીકાલથી મોરબી ઉપરાંત આસપાસના લોકો પિતૃઓ મોક્ષાર્થે શ્રાદ્ધ અને નારાયણ બલી વિધિ કરશે. રફાળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાદ્ધ કાર્ય કરવા પાછળ એક લોકવાયકા છે. લોકવાયકા મુજબ પાંડવોના સમયનું આ મંદિર છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ફરતા ફરતા અહીં પહોંચી પવિત્ર કુંડમાં સ્નાન કરી શિવની આરાધના કરી હતી આથી શિવજીએ પ્રસન્ન થઈ અહીં રફાળેશ્વરમાં જે કોઈ શ્રાદ્ધ અને નારાયણ બલી વિધિ કરશે તેને મોક્ષ પ્રાપ્ત થશે તેવું વરદાન આપ્યું હતું. આથી વર્ષોથી લોકો અહીં શ્રાદ્ધ કાર્ય કરે છે. રફાળેશ્વરમાં એકીસાથે 30 પરિવાર શ્રાદ્ધ વિધિ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. પવિત્ર કુંડ, રસોડા, વાસણો, તેમજ 11 જેટલા રૂમો, 10 પરિવાર રસોઈ બનાવી શકે તેટલા રસોડા સહિતની શ્રાદ્ધ અને નારાયણ બલી વિધિ માટે તમામ સુવિધા છે.