પ્રોપેન ગેસનો પુરવઠો જ ન હોવાથી એચપીસીએલ કંપનીએ રાતો રાત ભાવ વધારો ઝીકયો : અદાણીએ ગેસ જ ન મંગાવ્યો મોરબી : ગુજરાત ગેસના ભાવ વધારાથી કંટાળી મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ લાખોના ખર્ચે પ્રોપેન ગેસ પ્લાન્ટ વસાવી સસ્તો વિકલ્પ અપનાવ્યો છે પરંતુ આ સસ્તો વિકલ્પ પણ હાલ મોંઘો સાબિત થતા સિરામિક ઉદ્યોગ માટે પ્રોપન ગેસનો વિકલ્પ ઉલમાંથી ચુલમાં ફસાવા જેવો ઘાટ સર્જાયો છે. શોર્ટ સપ્લાયને કારણે HPCL કંપનીએ પ્રોપેનના ભાવના 13 રૂપિયા જેવો વધારો ઝીંક્યો છે, તો અદાણી ગેસ કંપનીએ તો આ મહિને ગેસનું વેચાણ જ કર્યું નથી. સિરામિક ક્લસ્ટર મોરબીમા ગુજરાત ગેસ દ્વારા એક સમયે દૈનિક 75 લાખ ક્યુબીક મીટર ગેસ પુરવઠો 700થી 800 જેટલા એકમોને પૂરો પાડવામાં આવતો હતો પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ બાદ નેચરલ ગેસના ભાવમાં વધારો થતા બમણા જેટલા ભાવ વધારાથી કંટાળી સિરામિક ઉદ્યોગકારોએ સસ્તા ગેસના વિકલ્પરૂપે વધારાનો પોણા કરોડ જેવો ખર્ચ કરી 70 ટકા સીરામીક યુનિટોમાં પ્રોપેન ગેસનો વપરાશ શરૂ થયો છે. બીજી તરફ પ્રોપેન ગેસ તરફ વળ્યાના એક વર્ષ કરતા ઓછા સમય ગાળામાં સિરામિક ઉદ્યોગ માટે પ્રોપેન ગેસની અછતનો હાલમાં સામનો કરવાની નોબત આવી છે. મોરબીના પ્રોપેન ગેસ વિક્રેતાના જણાવ્યા મુજબ હાલમાં આઈઓસીએલ એક જ કંપની પાસે પ્રોપેનનો જથ્થો છે અને તે પણ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતના માત્ર દસ ટકા જેટલો જ ઉપલબ્ધ છે અને આગામી ત્રણેક દિવસ સુધી આ અછત યથાવત રહે તેમ છે. દરમિયાન પ્રોપેન ગેસ પુરવઠો ન હોવા છતાં શોર્ટ સપ્લાયથી બચવા એચપીસીએલ કંપની દ્વારા પ્રોપેન ગેસના ભાવમાં 13 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારા બાદ પણ કંપની પાસે પ્રોપેન ગેસનો પુરવઠો જ નથી. ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાલમાં બેવડા દોરે નેચરલ ગેસ અને પ્રોપેન બન્ને વપરાશ કરી રહ્યા કગે ત્યારે અનેક સિરામિક યુનિટોમાં હાલમાં પ્રોપેનનો પુરવઠો સંપૂર્ણ ખતમ થવામાં હોવાથી નોન એમજીઓના ઉંચા ભાવે નેચરલ ગેસ વાપરવા નો એક જ વિકલ્પ રહયો છે અને હજુ આવી પ્રોપેન અછતની સ્થિતિ ત્રણેક દિવસ ચાલનાર હોવાનું જાણવા મળે છે.