પાન- માવાની દુકાનો અને ચા- નાસ્તાની લારીઓ ઉપર પ્રતિબંધ : જાહેરમાં પાન, માવા, ગુટખા, તમાકુના સેવન ઉપર પણ પ્રતિબંધ મોરબી : ગ્રીન ઝોન ગણાતા મોરબી જિલ્લામાં આવતીકાલથી શુ શરૂ કરવું અને શું બંધ રાખવું તે અંગે જિલ્લા કલેકટર દ્વારા આજે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પાન- માવાની દુકાનો અને ચા- નાસ્તાની લારીઓ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં બીજી દુકાનો ખોલવાનો સમય પણ સવારે 7થી સાંજે 5 વાગ્યાનો નિયત કરવામાં આવ્યો છે. અને જાહેરમાં પાન, માવા, તમાકુ કે ગુટખા ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા લોકડાઉન -3 અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં જીએસઆરટીસી તથા નગરપાલિકા સંચાલિત બસો કુલ ક્ષમતાના 50 ટકા પેસેન્જરો સાથે ચાલુ કરવા દેવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ પ્રકારની દુકાનો, બિન સરકારી કચેરીઓ, વાણિજ્યક એકમો વગેરે ખોલવા ઉપર સાંજે 5થી બીજા દિવસના સવારના 7 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. બિન આવશ્યક પ્રવૃતિઓ માટે સાંજના 7થી બીજા દિવસના સવારના 7 કલાક સુધી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે. પાન, ગુટખા, માવા, તમાકુ વગેરેનું વેચાણ કરતી દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ રહેશે. જાહેર સ્થળો ઉપર પાન, ગુટખા, તમાકુ વગેરેનું સેવન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. અને જો આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો તે દંડનીય અપરાધ ગણાશે. તમામ સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ ઇન્સ્ટિટયૂટ સિવાય કે ઓનલાઇન / ડિસ્ટન્સ લર્નિંગને પરવાનગી આપવામાં આવી હોય અન્ય ઉપર પ્રતિબંધ રહેશે. તમામ સિનેમા હોલ, શોપિંગ મોલ, જીમનેશિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર્સ, બાર્સ, અનેં ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ્સ અને સંલગ્ન સ્થળ ઉપર પ્રતિબંધ રહેશે. તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટસ, મનોરંજન, એકેડેમિક, સાંકૃતિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો તથા અન્ય મેળાવડાઓ ઉપર પ્રતિબંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો, પૂજાના સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે. તેમજ ધાર્મિક મંડળો ઉપર પ્રતિબંધ રહેશે. ચા- નાસ્તાની લારીઓ ઉપર પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા મુજબ આવતીકાલથી સમગ્ર જિલ્લામાં ચા- નાસ્તાની લારીઓ અને પાનના ગલ્લા સિવાયની દુકાનો ખુલી શકશે. પરંતુ જાહેરનામામાં તમામ દુકાનદારો માટે ચુસ્ત તકેદારીના પગલાં પણ જાહેર કરાયા છે. જેથી તમામ દુકાનદારોએ જાહેરનામાં મુજબ તકેદારી રાખીને નિયમોનું પાલન કરીને પોતાના ધંધા- રોજગાર શરૂ કરવાના રહેશે. જાહેનામુ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો http://morbiupdate.com/wp-content/uploads/2020/05/CamScanner-05-03-2020-18.28.53.pdf