મોરબી: નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે મોરબીમાં નવરાત્રીની રોનક જામી છે અને બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે નેહરુ ગેટ ચોક, જૂના બસ સ્ટેન્ડ, રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ, પંચાસર રોડ, અને સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં નવરાત્રીને લગતી વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે.ખાસ કરીને, ચણિયાચોળી, ચુંદડી, ગરબા, હાર અને અન્ય શણગારની વસ્તુઓની ખરીદી પુરજોશમાં ચાલી રહી છે. ગરબાના શોખીનો અને માતાજીના ભક્તો છેલ્લા ઘડી સુધી પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદવા માટે ઉમટી રહ્યા છે. આ ખરીદીનો માહોલ દર્શાવે છે કે આ વર્ષે પણ મોરબીમાં નવરાત્રીનો ઉત્સાહ પૂરબહારમાં ખીલશે.