રાજકોટ અને માળીયાના વ્યાજખોરો વિરુદ્ધ મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવીટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ખેડૂતે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેવાની ઘટના પાછળ વ્યાજખોરો જવાબદાર હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા મૃતકના પત્નીએ રાજકોટ અને માળીયા મિયાણાના બે વ્યાજખોરોએ ઊંચું વ્યાજ પડાવી બળજબરીથી ખેતીની જમીન લખાવી લેતા તેમના પતિએ અંતિમ પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે ઘટનામાં મૃતકના પત્ની ભાવનાબેન ગોપાલભાઈ ચીકાણીએ ટંકારા પોલીસ મથકમાં આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે.દહીંસરા તા.માળીયા મિયાણા અને આરોપી રાહુલ બચુભાઇ સવસેટા રહે.લાભદીપ સોસાયટી રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભાવનાબેન ચીકાણીએ નોંધાવેલ ફરિયાદના જણાવાયું છે કે વ્યાજખોર ભગવાનજી ખાંડેખા અને રાહુલ સવસેટાએ બળજબરીથી 23.23 લાખમાં જમીનનું સાટાખત કરાવી દસ લાખ ચેકથી આપી 5 લાખ રોકડા આપ્યા હોવા છતાં જમીનનો દસ્તાવેજ કરી આપવા મોતનો ભય બતાવી પ્રોમિસરી નોટ લખાવી લીધી હતી. આ ઉપરાંત આરોપીઓને 24 લાખ વ્યાજ સહિત ચૂકવી દેવા છતાં ઊંચું વ્યાજ વસૂલવા બન્ને આરોપીઓ મૃતકને મોતનો ભય બતાવતા હોવાથી વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી ગોપાલભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવમાં પોલીસે ભાવનાબેનની ફરિયાદને આધારે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.