મોરબી: કોરોનાનો અજગર ભરડો મોરબી જિલ્લા પર સખ્ત થતા આરોગ્ય સહિતના તમામ સંબંધિત તંત્રો ઊંધામાથે થઈ ગયા છે. ત્યારે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબીની જમીની હકીકતનો ક્યાસ લેવા રૂબરૂ મોરબી આવી રહ્યા છે. મુખ્યમંત્રીની આજની મોરબીની મુલાકાતને લઈને શોભેશ્વર રોડ પરની દુકાનો સવારે ખુલતાવેંત જ બંધ કરાવાઈ છે. એક સી.એમ (ચીફ મિનિસ્ટર) માટે સેંકડો સી.એમ (કોમન મેન)ના રોજગાર-ધંધા બંધ કરાવાતા લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. જો કે સી.એમ.ની મોરબીમાંથી રવાનગી બાદ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.મુખ્યમંત્રીના આગમનને લઈને તૈયારીનો ધમધમાટ પૂર્ણતાના આરે છે. મોરબીમાં સીએમ રૂપાણી સાથે મિટિંગમાં નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ, પ્રભારી સચિવ, સાંસદ વિનોદ ચાવડા, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો,પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેકટર, રેન્જ આઈજી, એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના 19 જેટલા અધિકારી, પદાધિકારી મિટિંગમાં ઉપસ્થિત રહી કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવશે અને આગળની રણનીતિ નક્કી કરશે.