ટંકારાને વિશ્વ દર્શનીય તીર્થસ્થળ બનાવવા માટે શરૂ કરાયેલા 'જ્ઞાન જયોતી તીર્થ'નું બાંધકામ ક્યારે પૂર્ણ થશે ? બે વર્ષ વીત્યા છતાં પ્રોજેક્ટમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ ન જોવા મળતાં લોકોમાં અસંતોષ ટંકારા આજે ફરી એક વાર મહાશિવરાત્રીના પવિત્ર અવસરે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિ ટંકારામાં ઋષિ બોધોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આર્ય સમાજ, સ્થાનિકો અને ભક્તો દ્વારા મહર્ષિના વેદમય વિચારોનું સ્મરણ અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઉત્સવ વચ્ચે લોકોમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે: ટંકારાને વિશ્વ દર્શનીય તીર્થસ્થળ બનાવવા માટે શરૂ કરાયેલા 'જ્ઞાન જયોતી તીર્થ'નું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? બે વર્ષ વીત્યા છતાં પ્રોજેક્ટમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ ન જોવા મળતાં સ્થાનિકો અને આર્ય જગતમાં અસંતોષ વ્યાપી રહ્યો છે.મહર્ષિ દયાનંદ સરસ્વતી (1824-1883) આર્ય સમાજના સ્થાપક અને ભારતીય સમાજ સુધારણાના અગ્રણી હતા. તેઓ વેદોના પ્રચારક, અંધશ્રદ્ધાના વિરોધી અને મહિલા શિક્ષણ તથા સમાનતાના હિમાયતી હતા. ટંકારા તેમની જન્મભૂમિ છે, જે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલું છે. અહીં તેમનું જન્મસ્થળ હાલમાં એક નાનું સ્મારક છે, જેને વિશ્વ સ્તરીય તીર્થમાં પરિવર્તિત કરવાનું સ્વપ્ન છે.2024માં થયેલી 200મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીવર્ષ 2024માં મહર્ષિની 200મી જન્મજયંતી (જ્ઞાન જ્યોતિ પર્વ-સ્મરણોત્સવ) ટંકારા સહિત સમગ્ર ભારતમાં ભવ્ય રીતે ઉજવાઈ હતી. આ મહોત્સવમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય પ્રધાનો, સંસદ સભ્યો, ધારાસભ્યો, આર્ય જગતના વિદ્વાનો, ઉદ્યોગપતિઓ તથા ગુજરાતના સંતો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધાઈ હતી.આ મહોત્સવ દરમિયાન જ્ઞાન જયોતી તીર્થનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે 15 એકર જમીન ફાળવીને સુપ્રત કરી દેવામાં આવી હતી. યોજના અનુસાર, આ તીર્થમાં વિશાળ શૈક્ષણિક સંકુલ (ડી.એ.વી. સંસ્થાઓ, કોલેજ સુધીનું શિક્ષણ), કન્યાઓ માટે હોસ્ટેલ, મહર્ષિના વિચારોના પ્રચાર-પ્રસાર માટે પ્રદર્શનશાળા, પુસ્તકાલય અને અન્ય સુવિધાઓનો સમાવેશ થવાનો છે. અંદાજે 250 કરોડ રૂપિયાના ખર્ચે આ વિશ્વ સ્તરનું તીર્થ બનાવવાની વાત થઈ હતી ભારતભરના આર્ય સમાજી દાતાઓએ દાનનો પ્રવાહ વહાવ્યો હતો. ટંકારા વિસ્તારના યુવાનો, મહિલાઓ તથા આર્ય સમાજ કાર્યકર્તાઓએ મહિનાઓ સુધી દિવસ-રાત મહોત્સવની તૈયારીમાં સહયોગ આપ્યો હતો. આ સમાચારથી ટંકારા વિસ્તારમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. આ તીર્થને 'જ્ઞાનની અનંત જ્યોત' તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે મહર્ષિના વેદમય જ્ઞાનને પ્રતિબિંબિત કરશે.વર્તમાન સ્થિતિ: પ્રગતિ ક્યાં છે? શિલાન્યાસને બે વર્ષ (2024થી 2026 સુધી) વીતી ગયા છે, પરંતુ જમીન ફરતે કંપાઉન્ડ વોલ બની ગયો છે તે સિવાય નવા બાંધકામના પાયા પણ ખોદાયા નથી અને એક ઈંટ પણ મૂકાઈ નથી. સ્થાનિક સૂત્રો અનુસાર, પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે આર્ય સમાજીઓ અને ટંકારાના વાસીઓમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. ટંકારાની પ્રજા તથા ભારતભરના આર્ય જગતના સભ્યો મહાન સમાજ સુધારક, વૈચારિક ક્રાંતિના જનક, આઝાદીના પ્રથમ ઉદ્બોધક અને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની માતૃભૂમિના વિકાસના સ્વપ્નને સાકાર થતાં જોવા ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે.