જુદા જુદા જિલ્લાના નવોદિત કવિઓ અને કવયિત્રીઓએ ભાગ લઈ સ્વરચિત કવિતાઓ, ગઝલો અને બાળગીતોનું પઠન કર્યુંમોરબી : શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા તાજેતરમાં ઓનલાઈન કવિ સંમેલન યોજાયું હતું. જેમાં જુદા જુદા જિલ્લાના નવોદિત કવિઓ અને કવયિત્રીઓએ ભાગ લીધો હતો અને સ્વરચીત કવિતાઓ, ગઝલો તથા બાળગીતોનું પઠન કર્યું હતું. ભાગ લેનાર તમામને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.શિક્ષણકુંજ ગ્રુપના સંચાલકો દિનેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ કાલરિયા અને રાજેશભાઈ ડાભી દ્વારા તાજેતરમાં ગૂગલ મીટના માધ્યમથી ઑનલાઈન કવિ સંમેલન 'સૂરસંગમ' માર્ચ - ૨૦૨૫ નું આયોજન કરાયું હતું. આ કવિ સંમેલનમાં 'સૂરસંગમ'ના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. નારાયણ જોશી 'કારાયલ', અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - ઈડરના સિનિયર લેક્ચરર ડૉ. નિષાદ ઓઝા, પ્રેરક ઉપસ્થિતિ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ડૉ. રમેશ ભટ્ટ 'રશ્મિ', શિક્ષક અને લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવી, ડી.ડી. ન્યૂઝ ચેનલના મોરબી જિલ્લાના પ્રતિનિધિ મહેન્દ્રસિંહ જાડેજા ઑનલાઈન ઉપસ્થિત રહ્યા હતા અને કવિ સંમેલનને અનુરૂપ પ્રેરક પ્રવચન આપીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.સૂરસંગમ કવિ સંમેલનમાં ગુજરાત રાજ્યના જુદાં જુદાં જિલ્લાના નવોદિત કવિઓ અને કવયિત્રીઓએ ભાગ લીધો હતો અને પોતાની સ્વરચિત કવિતાઓ, ગઝલો તથા બાળગીતોનું ગાન અને પઠન કર્યું હતું. કાર્યક્રમના અંતે શિક્ષણકુંજના સંચાલકોએ આભારવિધિ કરી હતી. આ સમગ્ર ઑનલાઈન કવિ સંમેલનનું સંચાલન લેખિકા, કવયિત્રી અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ડૉ. કોમલબેન સચદેએ કર્યું હતું. ભાગ લેનાર તમામ કવિઓ અને કવયિત્રીઓને ડિજિટલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પદ્મશ્રી ડૉ. નારાયણ જોશી 'કારાયલ'જીએ ઑનલાઈન કવિ સંમેલન યોજવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો અને શિક્ષણકુંજ દ્વારા દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા લહેરિકાંતભાઈ ગરવા અને ભાવિનભાઈ જોશીએ પણ સહકાર આપ્યો હતો.