ધારાસભ્ય મેરજા, પ્રભારી યોગેશભાઈ પટેલના, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, એસડીએમ સહિતના કાફલાએ મોરબી માળીયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ઉટબેટ : તૌકતે વાવાઝોડાનો ખતરો જોતા મોરબી જિલ્લાના છેવાડાના દરિયાકાંઠાના 11 ગામોમાં હાઇએલર્ટ સ્થિતિ વચ્ચે આમરણ નજીક આવેલ ઢુંઇ ગામમાંથી 60 પશુ પાલકોને ઉટબેટ ખાતે સલામત સ્થળે ખસેડી ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી અપડેટ દ્વારા આજે તૌકતે વાવાઝોડા અંગે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે સવારથી જ એક ટીમને તૈનાત કરવામાં આવી છે જે દરિયાકાંઠાના ગામોમાં રૂબરૂ જઈ પરિસ્થિતિ અંગે રિપોર્ટ આપી રહી છે, આજે સવારથી આ ટીમ દ્વારા આમરણ, બેલા, ઢુંઇ, ઉટબેટ, જીંજુડા, વર્ષામેડી, વવાણીયા સહિતના ગામોની મુલાકાતે છે ત્યારે ઉટબેટ ગામની મુલાકાત સમયે જ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના કાફલાની પણ મુલાકાત કરી હતી. દરિયા કિનારાથી તદ્દન નજીક આવેલ ઢુંઇ ગામ ઉટબેટ ગામથી બે કિલોમીટર દૂર છે અને અહીં મુખ્યત્વે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો જ રહેતા હોય તંત્ર દ્વારા વાવાઝોડાના ખતરા અંગે સમજ આપી તમામ 60 લોકોને ઉટબેટ ખાતે આંગણવાડી બિલ્ડિંગમાં સલામત આશ્રય અપાયો છે અને ભોજન, પીવાના પાણી સહિતની જરૂરી વ્યવસ્થા કરી હોવાનું પ્રાંત અધિકારી ઝાલાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આજે ઉટબેટ ગામે પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રભારી યોગેશ પટેલ, માજી ધારાસભ્ય અમૃતિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, મામલતદાર, ટીડીઓ સહિતના લોકો જોડાયા હતા.