પ્રેરણાદાયી : શનાળામાં રહેતા હેમાબેન પટેલે પરિવારની જવાબદારી નિભાવવાની સાથે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ નામ બનાવ્યું, બોલીવુડ સેલિબ્રિટીથી લઈ NRI સુધીના હેમાબેનના ડિઝાઇન કરેલા ક્લોથ પહેરે છેમોરબી : ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આમ સંસ્કૃતિ જ સૂચવે છે કે સ્ત્રી જ શક્તિ છે. પણ કમનસીબે આ શક્તિ ચાર દીવાલો વચ્ચે જ જીવન ગાળી દયે છે. જરૂર હોય છે બસ એક ઉંચી ઉડાનની પરવાનગીની...પછી જ સ્ત્રી ચમત્કાર સર્જી શકે છે. આવો જ ચમત્કાર મોરબીના હેમાબેન પટેલે સર્જ્યો છે. જેઓએ પોતાની ઘરની જવાબદારી સાથે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે દેશ-વિદેશમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. હેમાબેન ભાવિનભાઈ કાંજીયા જે શનાળા ખાતે રહે છે. તેઓ એક પ્રોફેશનલ ફેશન ડિઝાઈનર છે. છેલ્લા 10 વર્ષથી તેઓ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ નિતા અંબાણીએ ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં સ્વદેશ ફ્લેગશિપ સ્ટોરમાં એક ઇવેન્ટ યોજી હતી. આ ઇવેન્ટમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને બોલિવુડ સ્ટાર્સ આમંત્રિત હતા. આ ઇવેન્ટમાં દેશના ટોચના ફેશન ડિઝાઈનર એ બેનાવેલ ડિઝાઈનર પોશાક રજૂ કરાયા હતા. જેમાં હેમાબેને ખાસ ડિઝાઇન કરેલી સારી બોલિવૂડની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકરે પહેરી તેનું પ્રદર્શન કર્યું હતું. હેમાબેન જણાવે છે આજે તેઓ પાસે ખાસ એનઆરઆઈ ક્લાયન્ટ છે. જેઓ દેશના વિવિધ રાજ્યોના ટ્રેડિશનલ ક્લોથ ખાસ તેમની પાસે ડિઝાઇન કરાવે છે. આ ઉપરાંત મુંબઇના ખ્યાતનામ શો-રૂમમાં પણ તેઓ પ્રોફેશનલ ફેશન ડિઝાઇનર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ ડિઝાઇન કરેલા ક્લોથ આ શો-રૂમ મારફત અનેક સેલિબ્રિટીઓ પહેરે છે. હેમાબેન પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપતા જણાવે છે કે તેમના પરિવારે તેમને આ ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં ભરપૂર સહયોગ આપ્યો. હેમાબેન ઘરની જવાબદારી નિભાવવાની સાથે આ પ્રોફેશનમાં પણ સતત આગળ વધતા ગયા હતા. આજે તેમના પરિવારને તેમના પર ગર્વ છે. અંતમાં હેમાબેન જણાવે છે કે દરેક હાઉસવાઈફે એક સપનું જોવું જોઈએ. અને તે સપનું પુરૂ કરવા દોડ લગાવવી જ જોઇએ. આપણે ત્યાંની બહેનો મહેનતુ, સહનશીલ, કુશળ અને ધૈર્યવાન હોય છે. જે ધારે તે કરી શકે છે. પણ યોગ્ય દિશા નક્કી કરવી જરૂરી હોય છે. બહેનોએ ઘરની જવાબદારી સાથે થોડા સમય માટે તેમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઇએ અને તેને પ્રોફેશન તરીકે આગળ લઈ જવી જોઇએ.