મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા એક ગુમ થયેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. શી ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે સેન્ટમેરી સ્કૂલ નજીક આવેલા રેલવે ફાટક પાસે વિકીભાઈ બસંતાણી નામના વાહનચાલકે શી ટીમને જણાવ્યું હતું કે તેઓની ચાર વર્ષની ભત્રીજી રમતા રમતા ગુમ થઈ ગઈ છે. જેથી શી ટીમ દ્વારા આ અંગેની જાણકારી પોલીસ સ્ટેશને કરાઈ હતી અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પત્રકાર પંકજભાઈ સનારીયાએ શી ટીમના સભ્યને ટેલિફોનિક જાણ કરી હતી કે એક બાળકી પરશુરામધામ નવલખી ફાટક નજીકથી મળી આવી છે. તેથી શી ટીમ દ્વારા ખરાઈ કરીને આ બાળકી ગુમ થયેલી બાળકી જ હોવાનું જાણવા મળતું શી ટીમ અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાળકીના માતા સાથે પરશુરામધામ પહોંચ્યા હતા. ત્યાંથી બાળકીનો કબજો લઈને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની મંજૂરીથી બાળકીના માતા અનિતાબેનને સોંપી હતી. આમ શી ટીમની મદદથી બાળકી મળી જતાં વાસ્તુપેલેસ એપોર્ટમેન્ટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પરિવાર સાથે મિલન કરાવવા બદલ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ તથા શી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.