મોરબી : મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા શરદપૂર્ણિમાના દિવસે શકત શનાળા ખાતે હવન-યજ્ઞાદીનું આયોજન કરવામાં આવ્યું છે.ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 34 વર્ષથી શરદ પૂનમના પવિત્ર દિવસે હવન-યજ્ઞાદીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ પરંપરા પ્રમાણે આગામી તારીખ 28 ઓક્ટોબર ને શનિવારે શરદ પૂર્ણિમાના રોજ શકત શનાળાના શક્તિ માતાજીના મંદિરે હવન-યજ્ઞાદીનું આયોજન કરવામાં આવ્યું છે. 35 માં હવનમાં યજમાન પદે કેરાળા નિવાસી અને હાલ ભુજ રહેતા અજયસિંહ રણજીતસિંહ ઝાલા, રવાપર નદીના પૃથ્વીરાજસિંહ શક્તિસિંહ ઝાલા, મૂળ વાઘપર અને હાલ મકનસર રહેતા જયદીપસિંહ જુવાનસિંહ ઝાલા બિરાજશે. તા. 28 ઓક્ટોબર ને સવારે 9:30 કલાકે મહેમાનોના સામૈયા થશે અને યજ્ઞ વિધિ સવારે 8:00 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે રાજ્યસભાના સાંસદ મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજી ઝાલા, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગરના પ્રમુખ ડો. રુદ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. જ્યારે મોરબી જિલ્લા મહિલા બાળ વિકાસના પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ પણ હાજરી આપશે. આ પ્રસંગે વઘાસીયા-વાંકાનેરના લીલાધરી આશ્રમના યોગાચાર્ય સ્વામી અક્ષયાનંદ (નિખીલદેવજી) અને શકત શનાળા શક્તિ માતાજીના મંદિરના મહંત નરોત્તમગીરી બાપુ આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે પ્રસાદની વ્યવસ્થા કેરાળા, રવાપર નદી તથા વાઘપર ગામના ઝાલા પરિવાર તરફથી કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળાના મહામંત્રી ઘનશ્યામસિંહ ઝાલા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા તેમજ અન્ય સભ્યો ઉઠાવી રહ્યા છે.