ભાજપ કાર્યાલય બન્યું તે જમીન માલિકને જાણ વગર જમીનના ત્રણ ખોટા દસ્તાવેજો બન્યા છે, હાલ આ મામલો કોર્ટમાં છે: લલિત કગથરાભાજપ કાર્યાલય બન્યું તે જગ્યા ટાઈટલ ક્લીયર છે, કોઈ વિવાદ અમારી સાથે નથી : ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયામોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત દરમિયાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લોકશાહી, ચૂંટણી પંચની તટસ્થતા અને ખેડૂતોના મુદ્દાઓ પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી.શક્તિસિંહ ગોહિલે દેશમાં ચૂંટણીઓની ધાંધલીઓ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયામાં ભાજપે પરંપરા તોડી છે. પહેલાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની ત્રિ-સદસ્ય સમિતિ હતી, પરંતુ ભાજપ સરકારે CJI ને હટાવી તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નામ મૂકી દીધું છે.ગોહિલે આરોપ લગાવ્યો કે આ ફેરફારથી નિમણૂક પ્રક્રિયામાં ભાજપની બહુમતી થઈ ગઈ છે, જેના પરિણામે ભાજપનું કહ્યું માને તેવા અધિકારીઓ નિમાય છે. તેમણે આ નીતિને 'ચોરી કરવી હોય તો પહેલા ચોકીદારને ફોડો' સાથે સરખાવી, અને કહ્યું કે આનાથી લોકશાહીમાં ચૂંટણી ક્યારેય તટસ્થ થઈ શકતી નથી, જે એક કલંકિત બાબત છે.ગોહિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કપાસ, ડુંગળી અને ડાંગર સહિતના પાકને થયેલા નુકસાન અંગે વેદના વ્યક્ત કરી. તેમણે આક્ષેપ કર્યો કે દેશભરમાં વીમા યોજના હોવા છતાં, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી છે, જેના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.તેમણે સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર પેકેજને માત્ર બે હેક્ટર સુધી મર્યાદિત અને શરતો લાગુ હોવાથી અપર્યાપ્ત ગણાવ્યું. ગોહિલે માંગણી કરી કે ખેડૂતોને વીમામાંથી જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા હોવાથી 'જેટલું વાવેતર એટલું વળતર' મળવું જોઈએ.કેન્દ્રીય મંત્રી અમિત શાહના મોરબી આગમન અંગે ટિપ્પણી કરતા ગોહિલે આક્ષેપ કર્યો કે જે જગ્યા પર ભાજપનું 'કમલમ' કાર્યાલય બિલ્ડીંગ બન્યું છે, તે જગ્યા 'ચોખ્ખી નથી,' 'વિવાદાસ્પદ છે' અને 'મળવા પાત્ર નહોતી.' તેમણે સત્તાના જોરે ગેરકાયદેસર જમીનો પર પાર્ટીના બિલ્ડીંગો ન બનાવવાનો આગ્રહ કર્યો અને આ અંગે તપાસની માંગણી કરી.કોગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ પણ આ વિવાદ અંગે જણાવ્યું કે, કમલમ બિલ્ડીંગની જમીન એક વાણિયાની માલિકીની છે જે અમેરિકામાં રહે છે. જમીન માલિકને જાણ વગર જમીનના ત્રણ ખોટા દસ્તાવેજો બનાવી દેવામાં આવ્યા છે. મૂળ માલિકનો વાંધો હોવા છતાં અને મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં, 'સત્તાના જોરે' આ બિલ્ડીંગ ઊભું કરી દેવામાં આવ્યું છે.કગથરાએ આક્ષેપ કર્યો કે મોરબીમાં ભાજપના નેતાઓના આશરે મોટા શોપિંગ સેન્ટરો બની ગયા છે. તેમણે કહ્યું કે આ પ્રવૃત્તિ માત્ર કમલમ પૂરતી સીમિત નથી, પરંતુ ભાજપના નેતાઓ અને સમર્થકોના બિલ્ડીંગોમાં પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન અને જમીન પચાવી પાડવાનું વ્યાપક ચિત્ર જોવા મળે છે, જેના દ્વારા અભણ લોકોની જમીનનો ગેરઉપયોગ કરીને નેતાઓ કરોડોપતિ બન્યા છે. ગોહિલ અને કગથરા બંનેએ આક્ષેપ કર્યો છે કે મોરબીમાં ભાજપનું શાસન સત્તાના જોરે ગેરકાયદેસર જમીન પચાવી પાડવાની અને ભ્રષ્ટાચારની નીતિ પર ચાલી રહ્યું છે.જમીન કાયદેસર દસ્તાવેજો અને મંજૂરી સાથે ટાઇટલ ક્લીયર છે : દુર્લભજીભાઈ દેથરીયા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ'ના ઉદ્ઘાટન પૂર્વે જમીન વિવાદ મુદ્દે શક્તિસિંહ ગોહિલના આક્ષેપોને ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ નકારી કાઢ્યા હતા. તેમજ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જમીન કાયદેસર અને ટાઇટલ ક્લિયર છે, દસ્તાવેજ કાયદેસર છે અને મંજૂરી પણ કાયદેસર છે. જમીન અંગે કોઈ વિવાદ અમારી સાથે નથી.