મોરબી : મોરબી મહાનગરપાલિકામાં ભળેલા શક્ત શનાળા ગામમાં સ્ટ્રીટ લાઈટ, કચરો અને સાફ સફાઈ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પૂર્વ સરપંચ અને સામાજિક કાર્યકર મોહનભાઈ રામોલીયાએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીથી રાજકોટ રોડ સ્ટેટ હાઈવે, ભક્તિનગર સર્કલ અને ઓવરબ્રિજથી શક્ત શનાળા ગામ સુધી રોડની વચ્ચે ઈલેક્ટ્રીક થાંભલા ઘણા સમયથી નાખેલા છે પરંતુ આજ દિવસ સુધી તેમાં લાઈટ ચાલુ કરવામાં આવી નથી. આ ઉપરાંત શક્ત શનાળા ગામે જે ચોકડી થે તેને ભગડા મામા સર્કલ નામ આપવામાં આવે. અને ત્યાં જ પોલીસ ચોકી છે ત્યાંથી રાજકોટ સ્ટેટ હાઈવે રોડ પસાર થાય છે. આ રોડ પર ઈલેક્ટ્રીક થાંભલા લાઈટ માટે નાખેલા છે પરંતુ આ જગ્યાએ એક થાંભલાનો વધારો કરવામાં આવે. કેમ કે અહીં સરસ્વતી શિશુમંદિર સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને રાતના સમયમાં પણ બાળકો અભ્યાસ માટે અને કાર્યક્રમ માટે આવતા હોય છે જેથી લાઈટ નાખવી અનિવાર્ય છે. સરસ્વતી શિશુમંદિરની આજુબાજુવાળા ભંગાર કચરો નાખે છે. તેથી અહીં ખૂબ જ ગંદકી થાય છે. તેથી આ ગંદકી બંધ થાય તેવી કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આ જગ્યાએ 7 વર્ષ પહેલા રોડ સાઈડ પર ગટર કરી પાણીના નિકાલ માટે કુંડિયું મૂકવામાં આવતું હતું તે કામ અધૂરું મૂકી કામવાળા જતા રહ્યા છે. જેની જુની કુંડિયો અને ભંગાર ત્યાં જ પડ્યું છે. જેથી આ ભંગાર પાઈપ અને કુંડિયું ઉપાડી લઈ સફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.