મોરબી : હોળી પહેલાં જ હોળી જેવી સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ કંપનીઓએ સામાન્ય જનતાને મોટો ઝટકો આપ્યો છે.આજથી રાંધણ ગેસના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ કંપની દ્વારા આજે વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે.ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને મોટો આંચકો આપતા એલપીજી ગેસના ભાવમાં વધારો ઝિંક્યો છે. કોમર્શિયલ અને ઘરેલુ બંને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં 8 મહિના પછી વધારો કરાયો છે. હવે ઘરેલુ ગેસ સિલિન્ડર તમને 50 રૂપિયા વધારે મોંઘુ પડશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 350 રૂપિયા સુધી વધારાયા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને ગેસના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર તાજેતરના મહિનાઓમાં સસ્તું થઈ રહ્યું હતું. જ્યાં સુધી રાંધણ ગેસની કિંમતોનો સવાલ છે 6 જુલાઈ 2022 બાદથી જ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર હતા. હવે બે મહિના બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ એકસાથે 350 રૂ.નો વધારો કરાયો છે.