મોરબી : મોરબીના નાની બજાર વિસ્તારમાં આવેલી મોલાઈ રાજા સાહેબની શેરીમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાએ સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે હાલાકી સર્જી છે. આ શેરીમાં મોલાઈ રાજા સાહેબની મસ્જિદ અને એક ઐતિહાસિક પાણીનો કૂવો આવેલો છે, જેના દર્શન માટે દરરોજ સેંકડો પ્રવાસીઓ આવે છે.મળતી માહિતી મુજબ, છ મહિનાથી ગટર છલકાવાની સતત ફરિયાદો છતાં કાયમી નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 10 દિવસથી તો કોર્પોરેશનના કર્મચારીઓએ રસ્તો ખોદીને ખુલ્લી ભૂગર્ભ ગટર મૂકી દીધી છે અને તે પછી કોઈ કામગીરી માટે આવ્યા નથી. ખુલ્લી ગટર અને ઉભરાતા ગંદા પાણીના કારણે શેરીમાં ગંભીર જાનહાનિ થવાનો કે દુર્ઘટના સર્જાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે આ ફરિયાદનો નિકાલ લાવવા અને જે રસ્તો ખોદી નાખ્યો છે તેનું વહેલી તકે રીપેરીંગ કામ કરી આપવા માંગ કરી છે.