અનેક રજુઆત કરવા છતાં ગટરની સમસ્યાનો હલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલા વરિયાનગરમાં ગટરની સમસ્યાએ આડો આંક વાળી દીધો છે. શેરીમાં ઉભરાતી ગટરે એટલે હદે માજા મૂકી છે કે ગટરના ગંધાતા દૂષિત પાણી ઘરમાં ઘુસી ગયા છે. તેથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અનેક રજુઆત કરવા છતાં ગટરની સમસ્યાનો હલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીના સામાકાંઠે સોઓરડીની અંદર આવેલ વરિયાનગર શેરી નંબર-11 માં છેલ્લા કેટલાક દિવસોથી ગટરની સમસ્યા ભારે વકરી રહી છે.આ ગટરની સમસ્યા અંગે સ્થાનિકોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વરિયા મંદિર પાછળ આવેલી વરિયાનગર શેરી નંબર-11 માં ગટર ઉભરાઈ રહી છે. પહેલા શેરીમાં ઉભરાતી ગટર હવે ઘરમાં પણ ઉભરાઈ રહી છે. ગટર સફાઈના અભાવે ચોકઅપ થઈ જતા ગટરના પાણી ઘરમાં ઘુસી ગયા છે અને ઘરના ફળિયામાં મળ-મૂત્ર યુક્ત ગંદા પાણી ભરાતા ઘરમાં રહી ન શકાય તેવી કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આ અંગે અનેક રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. આથી ગટરની સમસ્યાને કારણે શેરી અને ઘરમાં ગંદા પાણી ભરાતા મચ્છરોના ભારે ઉપદ્રવથી રોગચાળાનું જોખમ ઉભું થયું છે. આ ગટરની સમસ્યાથી સ્થાનિકોની ખૂબ જ ગંભીર હાલત હોવાથી તંત્ર વહેલાસર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..