મોરબી : મોરબીના વીસી ફાટક પાસે આવેલી મોલાઈરાજ સાહેબ દરગાહના કેમ્પસમાં ગટરના ગંદા પાણી અંદર આવતા હોવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાને કરવામાં આવી છે. જો કે આ અંગે અગાઉ પણ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું જણાવાયું છે.આ અંગે મુસ્તફાભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, મોરબીની હેરિટેજ ગણાતી મોલાઈરાજ સાહેબ દરગાહના કેમ્પસની અંદર ગટરના ગંદા પાણી ઘુસી રહ્યા છે. ગટરની કુંડીમાં કચરો ફસાયો હોવાથી પાણી કુંડીમાંથી બહાર આવી રહ્યું છે અને આ ગંદુ પાણી દરગાહમાં આવી જાય છે. જેના કારણે દરગાહમાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ બે વખત મોરબી મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી પરંતુ આજ દિવસ સુધી કોઈ કામગીરી કરાઈ નથી. તેથી ગટરની કુંડીની યોગ્ય સફાઈ કરવામાં આવે અને દરગાહમાં આવતું ગટરનું પાણી બંધ કરવામાં આવે તેવી માગ સાથે મોરબી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરાઈ છે.