મોરબી: મધ્ય પૂર્વમાં (ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા) ચાલી રહેલા ભયંકર યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટર પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ની ઉપલબ્ધતામાં મોટો વિક્ષેપ આવતા ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ અનુસાર 'ફોર્સ મેજર' (Force Majeure) જાહેર કરી છે. આ અણધારી પરિસ્થિતિના પરિણામે સિરામિક એકમોને અપાતા ગેસ સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે અને નવા કડક નિયમો લાગુ કરાયા છે.ગુજરાત ગેસ દ્વારા ગ્રાહકોને પાઠવવામાં આવેલી સત્તાવાર નોટિસ અનુસાર, 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી ગેસ સપ્લાય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. નિયમિત એકમોના કિસ્સામાં, ફેબ્રુઆરી 2026 ના મહિનાના સરેરાશ દૈનિક વપરાશના આધારે 50% મુજબ નવો DCQ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ ફાળવવામાં આવેલી કુલ ક્વોન્ટિટી કરતા વધુ વપરાશ કરશે, તો GGL દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો સ્થગિત કરી દેવામાં આવશે.આ ઉપરાંત, Non-MGO (Minimum Guaranteed Offtake) ગ્રાહકો માટે પરિસ્થિતિ વધુ કડક બનાવવામાં આવી છે. ગુજરાત ગેસ દ્વારા Non-MGO યુનિટ્સનો DCQ તારીખ 6 માર્ચ 2026 થી અમલમાં આવે તે રીતે સંપૂર્ણપણે શૂન્ય (Zero) કરી દેવામાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે, 6 માર્ચથી જો Non-MGO ગ્રાહક કોઈપણ ગેસ વપરાશ કરશે તો તેને સીધો જ 'Excess Gas' વપરાશ ગણવામાં આવશે અને કંપની દ્વારા જાહેર કરાયેલા ઉંચા એક્સેસ ગેસ ચાર્જ વસૂલવામાં આવશે.ગુજરાત ગેસે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈપણ Non-MGO યુનિટને ગેસ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી. તેમ છતાં જો એકમમાં ગેસ વપરાશ માલૂમ પડશે તો, કોઈ જ સૂચના વિના તાત્કાલિક ગેસ કનેક્શન કાપી નાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ઉભી થયેલી આ ગેસ કટોકટી અને 50% થી લઈને સંપૂર્ણ ગેસ કાપના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગના દૈનિક ઉત્પાદન પર મોટી અસર પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.રહેણાક, વાહનો અને ઔદ્યોગિક ક્ષેત્રો પર શું અસર થશે?યુદ્ધના કારણે ભારતને સૌથી વધુ LNG સપ્લાય કરતા ખાડી દેશોમાંથી ગેસનું ઉત્પાદન અને દરિયાઈ પરિવહન પ્રભાવિત થયું છે. આ કટોકટી વચ્ચે સરકારે અને ગેસ કંપનીઓએ સપ્લાયની પ્રાથમિકતા નક્કી કરી છે:● રહેણાક (Domestic PNG): ઘરગથ્થુ રાંધણ ગેસ પ્રાથમિક અને આવશ્યક જરૂરિયાત હોવાથી, રહેણાક વિસ્તારોના ગેસ સપ્લાય પર હાલ કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. કંપનીઓએ ડોમેસ્ટિક ગેસ માટે રિઝર્વ જથ્થો અકબંધ રાખ્યો છે, જેથી ગૃહિણીઓને મુશ્કેલી ન પડે.● વાહનો (CNG): વાહનો માટેના CNG પંપો પર પણ અત્યારે કોઈ મોટો કાપ ઝીંકાયો નથી. સામાન્ય જનજીવન અને ટ્રાન્સપોર્ટેશન ન ખોરવાય તે માટે વાહનોનો પુરવઠો હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે.● ઔદ્યોગિક (Industrial): ગેસ કટોકટીનો સંપૂર્ણ અને સૌથી મોટો માર માત્ર ઔદ્યોગિક એકમો પર પડ્યો છે. સિરામિક સહિતના અન્ય ઉદ્યોગોને અપાતા સપ્લાયમાં જ આ 50% નો કાપ મૂકવામાં આવ્યો છે.સિરામિક ઉદ્યોગમાં શટડાઉનનો ભયમોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો મનોજ એરવાડિયા અને હરેશ બોપલિયા સહિતના આગેવાનોએ આ સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મોરબીમાં નેચરલ ગેસ ઉપરાંત પ્રોપેન ગેસનો પણ દૈનિક 5500 ટન જેટલો વપરાશ થાય છે, પરંતુ વિદેશથી આવતા જહાજો અટવાતા પ્રોપેન સપ્લાયમાં પણ માત્ર ગણતરીના દિવસો ચાલે તેટલો જ જથ્થો બચ્યો છે. જો ગેસનો પૂરતો પુરવઠો જલ્દી પૂર્વવત નહી થાય તો મોરબીના હજારો કારખાનાઓને ફરજિયાત 'શટડાઉન' કરવું પડશે, જેનાથી લાખો શ્રમિકોની રોજગારી અને અબજો રૂપિયાના એક્સપોર્ટ પર મોટી બ્રેક લાગશે.#MorbiUpdate #MorbiCeramic #GujaratGas #GasSupplyCut #ForceMajeure #CeramicIndustry #MorbiNews #GujaratIndustry #RLNGShortage #BusinessNews