વર્ષામેડી, વવાણીયા, ચમનપર, નાનાભેલા, ભાવપર, બગસરા, મોટાભેલા ગ્રામ પંચાયતોની જીપીસીબીને રજુઆત : જન આંદોલનની ચીમકીમોરબી : માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે નિર્માણ પામી રહેલા સિમેન્ટ પ્લાન્ટ સામે અનેક ગામોએ વિરોધ નોંધાવ્યો છે. આ પ્લાન્ટના કામને તાત્કાલિક ધોરણે અટકાવવા વર્ષામેડી, વવાણીયા, ચમનપર, નાનાભેલા, ભાવપર, બગસરા, મોટાભેલા ગ્રામ પંચાયતોએ જીપીસીબીને રજુઆત કરી છે.આ રજુઆતમાં જણાવવામાં આવ્યું કે, મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વર્ષામેડી ગામે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા મૅસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને સિમેન્ટ પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપેલ છે. જેનું કામ હાલ મૅસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે પ્લાન્ટની આસપાસના ગામોના વિસ્તારના લોકો ખેતી, માછીમારી તથા પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સિમેન્ટ પ્લાન્ટની આસપાસ જંગલ વિસ્તાર તથા દરિયાઈ વિસ્તાર આવેલો છે. જેમાં ઘણા બધા વન્ય પ્રાણી અને જળચર પ્રાણીઓ નિવાસ કરે છે. આ સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરવા અંગે મૅસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લોક સુનાવણી તા. 17-6-2025ના રોજ રાખેલ છે. જે અંગે અમોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી. જો આ સિમેન્ટ પ્લાન્ટ શરૂ થાય તો માળીયા તાલુકાના ખેતી, માછીમારી તથા પશુપાલન ઉપર નિર્ભર લોકોને આર્થિક રીતે મોટું નુકશાન થાય એમ છે. તેમજ આસપાસના ગામના લોકોનો રોજીરોટી છીનવાઈ જાય તેમ છે. અને લોકોના આરોગ્યને નુકશાન થાય તેમ છે. પ્લાન્ટ શરૂ થવાથી જ આસપાસના વન્ય પ્રાણી તથા જળચર પ્રાણીને નુકશાન થાય તેમ છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પર્યાવરણ તથા જંગલને બચાવવા માટે કરોડો રૂપિયાની જોગવાઈઓ આપના બજેટમાં કરવામાં આવે છે. ત્યારે આવા પ્રોજેકટને મંજૂરી આપી પર્યાવરણ તથા જંગલ નષ્ટ કરવા માટે પ્રયાસો કરતી કંપનીઓને આ વિસ્તારમાં શરુ કરવી કેટલે અંશે યોગ્ય ? ત્યારે આ રજૂઆતને ધ્યાને રાખી મૅસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થતા સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલીક ધોરણે અટકાવવા જણાવવામાં આવ્યું છે. તેમજ જો આ સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલિક ધોરણે અટકાવવામાં નહીં આવે તો ના છૂટકે જન આંદોલન કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.