મોરબીના નહેરૂગેઈટ નજીક પખાલી શેરીમાં કિશન પટેલે ભરબપોરે છરી કાઢી આંતક મચાવ્યો મોરબી : મોરબીના નહેરૂગેઈટ નજીક પખાલી શેરીમાં રહેતા અને કંદોઈ કામ કરતા યુવાનના ઘેર જઈ કિશન પટેલ નામના શખ્સે દાદાગીરી કરી રૂપિયા સાત હજાર આપ નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સગીર દીકરી ઉપર છરી કાઢી હુમલો કરવા જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નહેરૂગેઈટ નજીક પખાલી શેરીમાં રહેતા અને ભગુભાઈ ભજીયા વાળાને ત્યાં કંદોઈ કામ કરતા રમેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા ઉ.45 નામના યુવાને આરોપી કિશન પટેલ રહે.મોચી શેરી, મોરબી નામના શખ્સ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે બપોરે તેઓ ઘરે જમતા હતા ત્યારે કિશન પટેલ ઘેર આવ્યો હતો અને કારણ વગર રૂપિયા સાત હજાર આપવા ધમકી આપી હતી. જેથી રમેશભાઈએ નાણાં આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા કિશન પટેલે નેફામાંથી છરી કાઢી રમેશભાઈની સગીરવયની દીકરીને મારવા જતા રમેશભાઈએ છરી પકડી લીધી હતી. બાદમાં આરોપીએ જતા જતા પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે રમેશભાઈની ફરિયાદને આધારે ઘરમાં ઘુસી આંતક મચાવનાર આરોપી કિશન વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.