વડાપ્રધાનના સેવા કાર્યોના 25 વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લામાં 30 જેટલા કાર્યક્રમોનું આયોજન: વિવિધ સરકારી સેવાઓનો ઘરઆંગણે મળ્યો લાભમોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી જિલ્લાભરમાં અંદાજે 30 જેટલા “સેવા સેતુ” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાની ટીંબડી પ્રાથમિક શાળા ખાતે એક “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર, અમરનગર, નવા સાદુળકા અને જુના સાદુળકા ગામના નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ, કલ્યાણકારી યોજનાઓ તથા જરૂરી અરજીઓ અંગેની કામગીરી એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપી સ્થળ પર જ જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આ તકે મોરબી તાલુકા વિકાસ અધિકારી (TDO), ગ્રામ પંચાયતના સરપંચ, ટીંબડીના તલાટી-કમ-મંત્રી, શાળાના આચાર્ય તેમજ ICDS અને આરોગ્ય વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ “સેવા સેતુ” કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને એક જ સ્થળેથી સરળતાથી લાભ મળી રહે તેવો હેતુ સાર્થક થયો હતો, જેમાં સંબંધિત ગામોના મોટી સંખ્યામાં અરજદારોએ ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #SevaSetu #Timbdi #SevaSankalpAbhiyan #PublicService #GujaratGovernment