ગુજરાતના 550 થી 700 યુવાનો 20 દિવસની યાત્રામાં જોડાયા: મધ્યપ્રદેશના બુરહાનપુરથી સુખદેવ દેલવાડિયાએ નરેન્દ્ર મોદીને ગ્રાઉન્ડ ઝીરોનો રિપોર્ટ આપ્યોમોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનમાં તેમના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા 'સેવા સંકલ્પ યાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરથી વારાણસી (કાશી) સુધીની આ 20 દિવસની યાત્રામાં સમગ્ર ગુજરાતમાંથી 550 થી 700 જેટલા યુવાનો જોડાયા છે. આ યાત્રાના રૂટ નંબર 8 ના ઇન્ચાર્જ તરીકે મોરબીના યુવાન અને પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ સુખદેવ દેલવાડિયા જવાબદારી નિભાવી રહ્યા છે. આ સેવા સંકલ્પ યાત્રા અંતર્ગત આજે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 4 લોકો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વિશેષ સંવાદ કર્યો હતો, જેમાં સુખદેવ દેલવાડિયા સાથે તેમણે સીધી વાતચીત કરી હતી.હાલ આ યાત્રા મધ્યપ્રદેશના બુરહાનપુર પહોંચી છે, જ્યાંથી સુખદેવ દેલવાડિયાએ નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના યાત્રાના અનુભવો વર્ણવ્યા હતા. સુખદેવે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન તેઓ સતત વૃક્ષારોપણ કરી રહ્યા છે અને સામાન્ય નાગરિકો સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને માહિતી આપતા કહ્યું કે રસ્તામાં તેમણે એક પરિવાર સાથે વાતચીત કરી હતી, જેમને 'લાડલી બહેના યોજના' નો સીધો લાભ મળી રહ્યો છે. ભૂતકાળમાં સરકારી યોજનાઓનો લાભ લેવામાં જે મુશ્કેલીઓ પડતી હતી, તે હવે દૂર થઈ ગઈ છે અને સીધા બેંક ખાતામાં પૈસા જમા થતા હોવાથી લોકો ખૂબ જ ખુશ છે.સરકારી યોજનાઓની સફળતા અંગે ગ્રાઉન્ડ ઝીરોનો આ રિપોર્ટ સાંભળીને નરેન્દ્ર મોદીએ પણ ભારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અંતમાં તેમણે યાત્રામાં જોડાયેલા તમામ યુવાનોને તેમની યાત્રા સફળ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને કાશી પહોંચીને પોતાના વતી પ્રણામ કરવા જણાવ્યું હતું. મોરબીના સ્થાનિક યુવા નેતાએ દેશના વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરતા મોરબી જિલ્લા ભાજપ અને યુવા મોરચામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiNews #PMModi #SevaSankalpYatra #YuvaMorcha #BJPYuvaMorcha #MorbiUpdates #VadnagarToVaranasi #SukhdevDelwadia