મોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસ પોતાની ફરજની સાથે ટ્રાફિક પોલીસ ચોકીના નિર્માણમાં સહાયરૂપ બની રહ્યા છે. ત્યારે તેઓએ ફરજ કરતા કરતા સેવાકાર્ય કરી વધુ એક વખત પોતાની સેવાકીય ભાવનાનો પરિચય આપ્યો છે. મોરબી શહેરમાં રવાપર ચોકડી નજીક ટ્રાફિક હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ ધનજીભાઈ બાવરવા હંમેશા ફરજ નિભાવવાની સાથે સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહે છે. હાલ રવાપર ચોકડી નજીક દાતાઓના સહયોગથી ટ્રાફિક પોલીસ ચોકી બની રહી છે. ત્યારે ટ્રાફિક જવાન દેવજીભાઈ બાવરવા ટ્રાફિક પોલીસ ચોકીના બાંધકામમાં પાણી છાંટવા સહિતની કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે. આથી, ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પણ તેમના કાર્યને બિરદાવે છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં રવાપર ચોકડી લોકોની અવરજવરથી ધમધમતો વિસ્તાર છે. આથી, ત્યાં સતત ટ્રાફિક નિયમન કરવું પડે છે. એવામાં દેવજીભાઈ પોતાની ફરજ નિભાવવાની સાથે કોરોના કાળમાં પ્રજા માટે જરૂરી કામ, અબોલ જીવો માટે ચણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે.