વાહનચાલકોને દરરોજ ભારે હાલાકી : ખેડૂતોના વળતરનો પ્રશ્ન હલ કરી સર્વિસ રોડ ખુલ્લો કરવાની માંગટંકારા : ટંકારાના મીતાણામાં હાઇવે ઉપરનો બ્રિજ છે તેનો સર્વિસ રોડ વર્ષોથી બંધ હાલતમાં છે જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જેથી આ સર્વિસ રોડ ખુલ્લો કરાવવા ખેડૂતોના વળતરનો પ્રશ્ન ઉકેલવા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ હતું કે મોરબી-રાજકોટ ફોર લેન હાઈવે પર ટંકારાથી રાજકોટ વચ્ચે મીતાણા ચોકડી ખાતે સર્વિસ રોડ બંધ હોવાને કારણે સ્થાનિક ખેડૂતોને તેમની જમીનના કપાતના વળતરની સમસ્યા ઊભી થઈ છે. આ બાબતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ પાસે વળતરની માગણી કરવામાં આવી હોવા છતાં, સર્વિસ રોડનો નિકાલ ન થતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઓવરબ્રિજ ચોકડી પડધરીથી વાંકાનેરને જોડતો મહત્વનો રસ્તો છે, જે ટંકારા અને વાંકાનેર તાલુકાના અનેક ગામોને જોડે છે. સર્વિસ રોડ બંધ હોવાને કારણે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક લોકોની સલામતીને જોખમ ઊભું થયું છે. ત્યારે ટંકારા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપીને મીતાણા ચોકડી ખાતેનો સર્વિસ રોડ તાત્કાલિક ચાલુ કરવામાં આવે, જેથી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થાય અને અકસ્માતોનું જોખમ ઘટે.આ રજૂઆતમાં ટંકારા પ્રમુખ નરોત્તમ ગોસરા, ઉપપ્રમુખ રાજુભાઈ રૈયાણી, શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા, યુવા પ્રમુખ કુલદીપ ભાગીયા અને પ્રશાંત ચડાણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.