સામાન્ય વરસાદમાં પણ સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓ પડતા વાહનચાલકોની મુશ્કેલી વધી : રબડી અને પાણી ભરાયેલા ખાડાઓમાં ફસાતા વાહનો મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડની હાલત સામાન્ય વરસાદમાં પણ જોખમી હાલત થઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ અને સતત પાણી ભરાઈ રહેવાને કારણે સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડાઓ પડતા વાહનચાલકોને ભારે હાડમારીઓ વેઠવી પડી રહી છે. આ ખાડાઓને કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે અને અકસ્માતનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અનેક રજુઆત કરવા છતાં જવાબદાર નેશનલ હાઇવે ઓથીરિટી કોઈ કાર્યવાહી ન કરતા વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવેના ત્રાજપર ચાર રસ્તા રામકુવાથી કુબેર સિનેમા બાજુ જવાના સર્વિસ રોડની હાલ અત્યંત ભંગાર હાલત થઈ ગઈ છે. આ સર્વિસ રોડ ઉપર મસમોટા ગાબડાં પડ્યા છે. હમણાંથી સતત પડતા સામાન્ય વરસાદમાં પણ આ સર્વિસ રોડની નાજુક હાલત થઈ ગઈ છે. હાલ સર્વિસ રોડ ઉપર એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે સારો સર્વિસ રોડ શોધવા દીવો લઈને જવું પડે તેવી કપરી હાલત છે. સર્વિસ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓ દેખાઈ છે. આ ખાડાઓને કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. ખાડાઓને કારણે અનેક વખત ટ્રાફિકજામ સર્જાય છે. આજે પણ ટ્રાફિકજામ સર્જ્યો હતો. જેથી, કલાકો સુધી ધીમીગતિએ વાહન વ્યવહાર ચાલતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. સર્વિસ રોડ ઉપર ખાડાઓમાં પાણી ભરાયેલા હોવાથી એટલી હદે જોખમી બની ગયા છે કે આ મસમોટા ગાબડાંમાં એક કાર ફસાઈ ગઈ હતી. આ રીતે અનેક વાહનો ખાડાના ફસાઈ જાય છે. સર્વિસ રોડ ઉપર પાણીનો નિકાલ પણ ન હોવાથી ગટરની સાથે વરસાદી પાણી પણ ખાડાઓમાં ભરાય રહે છે. જેથી, ખાડાઓમાં પાણી સાથે રબડીરાજ સ્થપાઈ જતા અહીંથી વાહન લઈને નીકળવું મુશ્કેલ બને છે. ખાસ કરીને મોરબીના મોટાભાગના મજૂર વર્ગ સામાકાંઠે રહેતો હોય સવાર-સાંજે અહીંના સીરામીકમાં કામ અર્થે વાહનો લઈને નીકળે છે. પણ સર્વિસ રોડના ખાડાઓને કારણે આ લોકોને પારાવાર પીડાનો સામનો કરવો પડે છે. આથી, જવાબદાર તંત્ર આ ખાડાઓની યોગ્ય રીતે મરામત્ત કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.