કોરોનાએ છત્રછાયા છીનવી હોય તેવા બાળકોની માહિતી આપવા નાગરિકોને અપીલ મોરબી : સેવા ભારતી - ગુજરાત સંસ્થા દ્વારા કોવીડ-19ના લીધે જે બાળકોએ માતા કે પિતા કે માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આવા બાળકોની સહાયનું આયોજન કરી શકાય તેવા હેતુથી માહિતી એકત્રીકરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પણ આવા બાળકો અંગે માહિતી આપવા અનુરોધ કરાયો છે. કોરોનાની વૈશ્વિક મહામારી માનવ સમાજ માટે મોટો પડકાર બની છે. આ મહામારી દરમ્યાન સમાજના કેટલાય કુટુંબ ક્ષત વિક્ષીત થયા છે. આ મહામારીના કારણે ગુજરાતમા પણ અનેક લોકોએ સ્વજન ગુમાવ્યા છે. અનેક સંતાનોએ માતા અથવા પિતાની કે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બાળકો પણ સમાજનો ભાગ છે અને તેમના ભવિષ્યની ચિંતા કરવાની નૈતિક અને સમાજિક જવાબદારી છે. આવા સદવિચાર સાથે સમાજમાંથી અનાથ બાળકો અંગે રિયલ ડેટા એકત્ર કરવાનો સેવા ભારતી - ગુજરાત સંસ્થાનો પ્રયાસ છે. જે માહિતી પ્રાપ્ત થાય તેના આધારે જે-તે ભૌગોલીક વિસ્તારના સામાજિક, ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓ, વ્યક્તિઓને સાથે રાખી આવા બાળકો તથા પરિવારના કલ્યાણ માટે કોઇ ચોકકસ કામ કરવાની યોજના બને તે હેતુથી વેબસાઈટના માધ્યમથી માહિતી એકત્ર કરવાનો સેવા ભારતી - ગુજરાત સંસ્થા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ લિંક પર ક્લિક કરી માહિતી સબમિટ કરી શકાશે. https://sewabhartigujarat.in/