દરરોજ બપોરે અને સાંજે લગભગ બે હજાર લોકોને અપાતું તૈયાર ભોજન વાંકાનેર : કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશ લોકડાઉન થયેલ છે. જેને પગલે સમગ્ર વાંકાનેર તાલુકા પણ લોકડાઉન છે. ત્યારે આવી વિકટ પરીસ્થિતીમાં ઈન્ડિયન ગ્રુપ ગરીબો અને અબોલ જીવોની પડખે આવી સતત સેવાયજ્ઞ કરી રહ્યું છે.દરરોજ બપોરે અને સાંજે લગભગ બે હજાર લોકોને તૈયાર ભોજન પીરસીને ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરાઈ છે. ‘સેવા એ જ ધર્મ’ સૂત્રને અનુસરતા વાંકાનેરના ઈન્ડિયન ગ્રુપ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારને અને રોજગારી મેળવવા આવેલાં અને લોકડાઉનમાં ફસાયેલા બહારના પરિવારને તૈયાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બપોરે અને સાંજે લગભગ બે હજાર લોકોને તૈયાર ભોજન પીરસવામાં આવે છે. તેમજ અબોલ જીવની ખેવના કરી ઈન્ડિયન ગ્રુપ દ્વારા ગૌધનને લીલું આપવાની સેવા પણ કરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકા વિસ્તારમાં ભોજનની જરૂરિયાતમંદ લોકોએ ઈન્ડિયન ગ્રુપનો સંપર્ક કરવા જણાવાયું છે.