વિદેશી કાચા માલની અછત અને પેકિંગ મટિરિયલમાં ૮૦ ટકા સુધીનો વધારો નોંધાતા અગરબત્તીના ભાવમાં ૨૫ ટકા સુધીનો વધારો તોળાઈ રહ્યો છે : મોરબી જિલ્લાના ૧૯ યુનિટો અને ૪૦૦ જેટલા શ્રમિકોની રોજગારી પર સંકટમોરબી : હાલમાં બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર તે દેશો પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને સામાન્ય જનજીવન પર પડી રહી છે. ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચર એન્ડ ડિલર્સ એસોસિએશન દ્વારા યુદ્ધ રોકવાની અપીલ સાથે અગરબત્તી ઉદ્યોગની વર્તમાન કટોકટી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ વૈશ્વિક અશાંતિની સીધી અસર મોરબી જિલ્લાના નાના-મોટા 19 જેટલા અગરબત્તી ઉત્પાદન યુનિટો પર જોવા મળી રહી છે. મોરબીમાં આ ઉદ્યોગ સાથે આશરે 400 જેટલા મજૂરો જોડાયેલા છે, જ્યારે 150 જેટલા ફેરિયાઓ ઘરે-ઘરે જઈને અગરબત્તી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. કાચા માલની અછત અને ભાવવધારાને કારણે આ તમામની આજીવિકા પર મોટું સંકટ ઉભું થયું છે.ગુજરાતમાં અગરબત્તી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા GAMDA, જેમાં ૭૦૦થી વધુ સભ્યો જોડાયેલા છે, તેના જણાવ્યા અનુસાર અગરબત્તી બનાવવામાં વપરાતો મોટાભાગનો કાચો માલ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. હાલમાં આ કાચા માલના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે અને માલ સમયસર ઉપલબ્ધ પણ નથી થતો. અગરબત્તીના પેકિંગ માટે જરૂરી પેકિંગ મટિરિયલના ભાવમાં પણ છેલ્લા એક જ મહિનામાં ૭૦ થી ૮૦ ટકા જેટલો અતિશય વધારો નોંધાયો છે. પૈસા આપવા છતાં પેકિંગ મટિરિયલ ન મળતા ઉત્પાદન અને સપ્લાય જાળવી રાખવો મુશ્કેલ બન્યો છે. આ બમણા માર અને વધતા ખર્ચને પહોંચી વળવા ઉદ્યોગકારોને મજબૂરીમાં તૈયાર અગરબત્તીના ભાવમાં લગભગ ૨૦ થી ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે.આ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોમાં ૮૦ ટકા જેટલી સંખ્યા મહિલાઓની છે, જેમના રોજગાર માટે આ ઉદ્યોગ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ જો હાલની યુદ્ધની પરિસ્થિતિ જલ્દી સમાપ્ત નહીં થાય અને કાચા માલની અછત યથાવત રહેશે, તો ઉત્પાદકોને મજબૂરીમાં ઉત્પાદન ઘટાડવું પડશે. પરિણામે ફેક્ટરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ચાલુ અને બે દિવસ બંધ રાખવાની નોબત આવી શકે છે. આનાથી મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકોના રોજગાર પર નકારાત્મક અસર પડશે. GAMDA દ્વારા સરકાર અને સત્તાધીશો સમક્ષ આ મુશ્કેલ સમયમાં ઉદ્યોગને રાહત આપવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે અને 'STOP THE WAR' નો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #AgarbattiIndustry #GAMDA #StopTheWar #MorbiBusiness #GujaratNews #PriceHike #EmploymentCrisis #LocalBusiness #Morbi