મોરબી : આજ રોજ તારીખ 1 માર્ચે મોરબીની એલઈ કોલેજ ખાતે 'સ્વચ્છતા હી સેવા' અને 'રકતદાન મહાદાન' વિષય પર એન.એન.એસ.યુનિટ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ડો. આર. એન રાઠોડ અને ડો. કે. બી વાઘેલા એન.એસ.એસ. યુનિટ કો- ઓર્ડિનેટરે મોરબીને સ્વચ્છ અને નિર્મળ કઈ રીતે બનાવી શકાય અને આ અંગે સમાજને કઈ રીતે જાગૃત કરી શકાય એ થીમને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ ઉમા ટાઉનશીપના અગ્રણી એવા રતિભાઈ ભાલોડીયાએ રકતદાન એ મનુષ્ય જીવનની પ્રાથમિક અને નૈતિક ફરજ છે એ વિષયથી સંસ્થાના સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓને માહિતગાર કરીને સમાજ માટે અને દેશ માટે ઉપયોગી રકતદાન કરવા માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમને અંતે સંસ્થાના ડો.એન.એમ.ભટ્ટે સ્વચ્છતા અને રકતદાન અનિવાર્યતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. છેલ્લે આચાર્ય ડો. આર. કે. મેવાડાના માર્ગદર્શન મુજબ હાજર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને પેન, સુવિચાર આપવામાં આવ્યા હતા અને રાષ્ટ્રગીતનું ગાન કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.કાર્યક્રમના સુચારું સંચાલન માટે ડો. આર.એન.રાઠોડ, ડો. કે.બી.વાઘેલા અને સંપૂર્ણ એન.એસ.એસ.યુનિટ ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી. આશરે 108 સ્ટાફ ગણ તથા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.