મોરબી: મોરબી જિલ્લામાં કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ગ્રુપ ઑફ કોલેજીસ ખાતે તારીખ 22 ડિસેમ્બરના રોજ 'બેટી બચાવો, બેટી પઢાઓ' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મેડિકલ અને પેરા મેડિકલની વિદ્યાર્થીની બહેનોને સ્વ-સંરક્ષણ (સેલ્ફ ડિફેન્સ) અને કાયદાકીય જાગૃતિ વિશે માહિતગાર કરવાનો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ સંચાલક દ્વારા મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ રાજદીપભાઈ પરમારે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર મયુરભાઈ સોલંકીએ વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવેરનેસ જેવા અગત્યના વિષયો પર સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર, પી. એચ. લગધીરકાએ વિદ્યાર્થીનીઓને 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના વિશે સમજાવ્યું હતું. જેમાં મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું, મુશ્કેલીના સમયમાં તેમાંથી કેવી રીતે બહાર આવવું, અને મહિલા હેલ્પલાઇન નંબર 181 (અભયમ) વિશેની મહત્વની માહિતી આપી હતી. આ સાથે તેમણે મહિલા પોલીસના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.કાર્યક્રમના અંતે કોલેજના ટ્રસ્ટી ડૉ. મિલન વ્યાસ દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેલ્ફ ડિફેન્સ કોચ મયુરભાઈ પીપોતર અને સંજયસિંહ ચાવડા સહિત તમામ મહેમાનો તથા આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સંચાલકે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.