મોરબીના વજેપરમાં બનેલો બનાવમોરબી : જર, જમીન ને જોરું ત્રણ કજિયાના છોરું ઉક્તિને સાર્થક કરતા એક બનાવમાં મોરબીમાં પિતાના મૃત્યુ બાદ આવેલ હક્ક હિસ્સાના રૂપિયા 10 લાખમાંથી પોતાનો ભાગ આપવાની માંગણી કરી સગા નાના ભાઈએ મોટાભાઈને બ્લેડના ઘા ઝીંકી લોહી લુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વજેપરમાં રહેતા ભાવેશભાઈ હિરાભાઈ સાવરીયા ઉ.36 નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના સગા નાના ભાઈ એવા આરોપી દિનેશભાઈ હિરાભાઈ સાવરીયા, રહે. સામા કાંઠે શોભેશ્વર રોડ ભુવનેશ્વરી પાર્ક વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.24ના રોજ પોતે ઘર પાસે ઉભો હતો ત્યારે છેલ્લા ચાર માસથી અલગ રહેવા ગયેલ આરોપી દિનેશ ત્યાં આવ્યો હતો અને પિતાના મૃત્યુ બાદ તેમના વૃદ્ધ માતાને વારસદાર તરીકે મળેલા રૂપિયા 10 લાખમાંથી હિસ્સો આપવા માંગ કરી હતી.આ વેળાએ ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગેલા આરોપી દીનેશભાઈએ ભાવેશભાઈ સાથે મારામારી કરી હતી અને પોતાના પાસે રહેલ કાગળ અને રબ્બર કાપવાની બ્લેડ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.