મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા STEM QUIZ 3.0 નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરી મોરબી જિલ્લાની શાળાઓએ ધોરણ 9 થી 12 ના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓનું સ્ટેમ ક્વિઝ 3.0 માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ક્વિઝમાં મોરબી જિલ્લામાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય કક્ષાની ક્વિઝમાં થઈ છે. આ ક્વિઝનું ઓનલાઇન માધ્યમથી જિલ્લાની વિવિધ શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી દરેક તાલુકામાંથી શ્રેષ્ઠ 10 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી હતી. જેનો ઝોન કક્ષાએ સમાવેશ કરવામાં આવ્યો હતો અને ઝોન કક્ષાની સ્પર્ધામાં જિલ્લામાં પસંદ થયેલા મોરબી જિલ્લાના દરેક તાલુકાના ટોપ 10 વિદ્યાર્થીઓએ રિઝિયોનલ સાયન્સ સેન્ટર ભૂજ ખાતે ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ 12 વિદ્યાર્થીમાંથી 3 મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓમાં મોરબીની નાલંદા વિદ્યાલયની આયુષી જીતેન્દ્રભાઈ માકાસણા, વાંકાનેરની વી.એસ. હાઈસ્કૂલનો વિદ્યાર્થી રોહિત ભરતભાઈ બાવરીયા અને ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રિયંકા મનીષભાઈ બારૈયાની પસંદગી થઈ છે.આ વિદ્યાર્થીઓ સાથે ટંકારા તાલુકાના કો-ઓર્ડિનેટર અને ઓરપેટ શાળાના આચાર્ય અસ્મિતાબેન ગામી, વાંકાનેર તાલુકાના કો-ઓર્ડિનેટર અને એલ. કે. સંઘવીના શાળાના આચાર્ય દર્શનાબેન જાની વિદ્યાર્થીઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ભૂજ ખાતે બધા જ તાલુકાના પાંચમા અને છઠ્ઠા નંબરે આવેલા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા અને ટોપ-4 વિદ્યાર્થી જે હવે રાજ્યની ક્વિઝ માટે ગાંધીનગર સાયન્સ સિટી ખાતે રમવા જશે. ત્યાં તેમને ટેબલેટ થ્રી ડી પ્રિન્ટર તેમજ રોબેટિક કીટ આપવામાં આવશે. મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર આ તમામ ટોપ ફોર વિદ્યાર્થીઓને મોરબી જિલ્લાના શિક્ષણ અધિકારી કમલેશ મોતા તેમજ પ્રવિણભાઈ અંબારીયા તેમજ “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ. એમ. ભટ્ટ તેમજ કો-ઓર્ડિનેટર દીપેન ભટ્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને હવે પછીની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.