સેન્ટરના સ્ટાફ અને સ્વયંસેવકોએ પણ કર્યું વૃક્ષારોપણ મોરબી : મોરબીમાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામેલ છે, પ્રાણવાયુ ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત વૃક્ષ છે આથી, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોને વૃક્ષારોપણ માટે સતત પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમરસતા કોવિડ કેર સેન્ટરમાંથી વિદાય લેતા દર્દીઓને રોપા આપવામાં આવે છે. અને સેન્ટરના સ્ટાફ અને સ્વયંસેવકો પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે અતૂટ પ્રેમના દર્શન કરાવી રહ્યા છે. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલી રહેલા સમરસતા કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી અનેક લોકો કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. દર્દીઓ સેન્ટરમાંથી વિદાય લે ત્યારે દર્દી અને તેના સ્નેહીજનોને એક-એક છોડ આપવામાં આવે છે. તેમજ છોડને રોપવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવી પ્રકૃતિ સંપદાનું મહત્વ સમજાવવામાં આવે છે. વધુમાં, યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત સમરસતા કોવીડ કેર સેન્ટરના મેડિકલ સ્ટાફ તથા સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેમજ યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા આગામી સમયમાં પર્યાવરણ જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવશે. અને લોકો વધુને વધુ વૃક્ષ વાવે તેવી અપીલ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારી દ્વારા યાદીમાં કરવામાં આવી છે.