મોડીરાત્રે એકાદ કલાક ટોલનાકુ બંધ કરાવતા હંગામો, પોલીસ દોડી હળવદ : કચ્છ અમદાવાદ હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકે ટોલનાકાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટ્રક ચાલકને માર મારવામાં આવતા ટ્રકના ચાલકો વિફર્યા હતા અને મોડીરાત્રે એકાદ કલાકથી વધુ સમય ટોલનાકુ બંધ કરાવી દીધું હતું. જાણવા બીજી તરફ બનાવને પગલે માળીયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગત મોડીરાત્રીના માળિયા નજીક આવેલ અણીયારી ટોલનાકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રક ચાલકને માર મારતા અન્ય ટ્રક ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં ટ્રક ચાલકો એકઠા થઈ ટોલનાકુ બંધ કરાવ્યું હતું. બીજી તરફ બનાવને પગલે માળિયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વધુમાં એવુ પણ સામે આવ્યું હતું કે, જે ટ્રક ડ્રાઇવરને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો તે સિક્યુરિટી ગાર્ડના કર્મચારીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા જેથી ટ્રક ચાલકો માંગ કરી હતી કે, નશાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડ અવારનવાર ટ્રક ચાલકોને હેરાન પરેશાન કરતા હોય તેઓ સામે યોગ્ય કાર્યવાહી થાય ત્યારબાદ જ ટોલનાકુ ચાલુ કરવા દેવામાં આવશે. આમ મોડીરાત્રે લાંબો સમય હંગામા બાદ મામલો થાળે પડ્યો હતો.