ચારથી વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ જાહેરનામાના અમલ થવા ઉપર પ્રશ્નાર્થ : યાર્ડની ચૂંટણીમાં જાહેરનામાનો ધજાગરો મોરબી: રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા જિલ્લા મેજિસ્ટ્રેટે કલમ 144 લાગુ કરી છે. હાલની પ્રવર્તમાન કોરોના પરિસ્થિતી ધ્યાને લેતા મહામારીનું સંક્રમણ અટકાવવા તેમજ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય, આ સમય દરમ્યાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં 30 એપ્રિલ 2021 સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરધસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. પરંતુ માર્કેટિંગ યાર્ડની મતગણતરીમાં આ જાહેરનામાના ધજાગરા થતા જોવા મળ્યા છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને કે સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે, આજથી જાહેરનામું અમલી તો બન્યું છે. પરંતુ જાહેરનામાની અમલવારી ઉપર સવાલ ખડા થયા છે. આજે સવારથી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની ગણતરી હાથ ધરવામાં આવી હોય સાંસદ અને અગ્રણી રાજકારણીઓ સહીત લોકોના ટોળે-ટોળા એકત્રિત થયા છે અને લાખો રૂપિયાના ફટાકડા પણ તૈયાર રાખવામાં આવ્યા છે. ત્યારે આ જાહેરનામું રાજકારણીઓ માટે માત્ર કાગળ ઉપર જ રહેતું હોવાનું જણાઈ રહ્યું છે.