ધો. 2ના બાળકોને વાંચતા અને લખતા શીખવવાનું વધારાનું કામ નિયત સમય કરતાં વહેલુ અને અસરકારક રીતે કરનાર શિક્ષકોનું બહુમાન મોરબી : મોરબી જિલ્લાના ધો.2ના નબળા વિદ્યાર્થીઓને વાંચતા લખતા કરી દેવા માટે એક અભિયાન શરૂ થયું હતું. જેને ઉપચારાત્મક શિક્ષણકાર્ય નામ આપવામાં આવ્યું હતું. ઉપચારાત્મક શિક્ષણકાર્યને સફળ બનાવનાર 7 શિક્ષકોને શિક્ષણ સચિવ દ્વારા સન્માન રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પ્રમાણપત્ર અધિકારીઓના હસ્તે શિક્ષકોને અર્પણ કરાયા હતા. ગત વર્ષ ફેબ્રુઆરી 2018માં તમામ શાળાઓમાં ધોરણ બે માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેના આધારે નબળા બાળકોને વાંચતા અને લખતા કરવા માટે માર્ચ 2018થી ઉપચારાત્મક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્ય છેક વેકેશન સુધી ચાલ્યું હતું. પરંતુ જે શિક્ષકોએ ઉપચારાત્મક કાર્ય નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ કર્યું અને ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ કરી તેમની રાજ્ય કચેરી દ્વારા થર્ડ પાર્ટી થકી ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીને અંતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની માનસર પ્રા. શાળાના નિરૂબેન પંચાલ, ટંકારા તાલુકાની જોધપર ઝા.પ્રા.શાળાના વનીતાબેન પરસાણા, મોરબી તાલુકાની લૂંટાવદર પ્રા.શાળાના કાંતિભાઈ વડાવીયા, વાંકાનેર તાલુકાની કાછીયાગાળા પ્રા.શાળાના કંચનબેન ચાવડા, મોરબી તાલુકાની ભરતનગર પ્રા.શાળાના કલ્પનાબેન બરાસરા, વાંકાનેર તાલુકાની રાતીદેવળી કુમાર પ્રા.શાળાના હેતલબેન મકવાણા અને વઘાસિયા પ્રા.શાળાના પૂનમબેન સેરસિયાને શિક્ષણ સચિવ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બાદમાં આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારી, તેમજ સંઘના હોદ્દેદારોની હાજરીમાં આ પ્રમાણપત્ર શિક્ષકોને અર્પણ કરાયા હતા.