મિતાણા નજીક મામલતદાર કેતન સખીયાની ટીમનો સપાટો, ટ્રક ચાલકો નાસી છૂટ્યાટંકારા : ટંકારા નજીક ડેમી ડેમના કાંઠે પાણી ચોરી કરી રેતી ધોવાનો ગોરખધંધો કરતા ઈસમો ઉપર ટંકારા મામલતદારે સપાટો બોલાવતા ટ્રક - ડમ્પર ચાલકો મુઠ્ઠીઓવાળી નાસી છૂટ્યા હતા. જો કે, હલતુર્ત ટંકારા મામલતદારે પાંચ ટ્રક કબ્જે કરી પોલીસને સોંપી આપી ખાણ ખનીજ વિભાગને ધગધગતો રિપોર્ટ કરી દરોડા સમયે જ વીજતંત્રને દોડતું કરી વિજ કનેક્શન પણ કપાવી નાખ્યા હતા.ખનીજ સંપદાથી ભરપૂર મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી વચ્ચે રેતમાફીયાઓ બેફામ બની નદીઓના કોતર ખોદી રહ્યા છે અને માટીયુક્ત રેતીની ચોરી કર્યા બાદ ટંકારા તાલુકાના મિતાણા નજીક સરકારી જગ્યાનો ઉપયોગ કરવાની સાથે ગેરકાયદે પાણી ચોરી કરી રેતી ધોવાનો ગોરખધંધો કરતા હોવાનું ટંકારા મામલતદાર કેતન સખીયાના ધ્યાને આવતા ગઈકાલે મામલતદાર સખીયા, સર્કલ ઓફિસર વિવેક ઝાલરીયા સહિતની ટીમ મિતાણા ડેમી ડેમ નજીક આવાજ એક અડ્ડા ઉપર ત્રાટકી સપાટો બોલાવતા ટ્રક ચાલકો મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યા હતા.બીજી તરફ રેતી ધોવાના ગેરકાયદે અડ્ડા ઉપર તવાઈ ઉતારનાર મામલતદાર ટંકારાની ટીમ રેતમાફિયાઓની ગોઠવણ જોઈ ચોકી ઉઠી હતી.ડેમી ડેમ નજીક પાણી ચોરી કરવાની સાથે સાથે રેતીધોવાના ગોરખધંધા માટે હેવી વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા મામલતદારની ટીમે તાત્કાલિક પીજીવીસીએલની ટીમોને બોલાવી વીજ કનેક્શન પણ કાપી નંખાવ્યા હતા.દરમિયાન મિતાણા નજીક સરકારી જગ્યામાં ચાલતા રેતી ધોવાના ગોરખધંધા મામલે હાલમાં ટંકારા મામમતદાર સખીયાએ પાંચ ટ્રક કબ્જે કરાવી ટંકારા પોલીસ મથકને સોંપી આપવાની સાથે ખાણખનીજ વિભાગને પણ ધગધગતો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળે છે.