વિસીપરામાં ધોળેશ્વર રોડ પર આવેલ જૂથના ડેલાની જગ્યામાં પડેલો ભંગાર ગાયબ થતો હોવાની નગરપાલિકાના પૂર્વ નગરસેવકે દોઢ મહિના પૂર્વે કરેલી લેખિત ફરિયાદમાં તપાસના નામે મીંડુંમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યાના દોઢ વર્ષ બાદ હજુ પણ શહેરમાં નગરપાલિકા જેવી જ સ્થિતિ હોવાની ગવાહી આપતી ઘટનાઓ કોર્પોરેશનના શાસનમાં બની રહી છે. મહાનગર પાલિકાનો દરજ્જો મળવાની સાથે જ કોર્પોરેશનને કરોડો રૂપિયાની મિલ્કતો મળી છે સાથે નગરપાલિકા સમયના લાખો રૂપિયાના કંડમ વાહનો અને ભંગાર પણ વારસામાં મળ્યો છે.જો કે સત્તાધીશોની બેદરકારીને કારણે આવો લાખોનો કિંમતી ભંગાર સગેવગે કરી દેવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ માજી નગરસેવકે લગાવી તપાસની માંગ ઉઠાવી છે પરંતુ મહાનગર પાલિકાના હિતમાં રહેલી આ માંગણીને હાલમાં કચરાપેટીમાં નાખી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં રહેતા નગરપાલિકાના માજી સદસ્ય જયંતીભાઈ છગનભાઇ ઘાટલિયાએ ગત તા.17 જૂનના રોજ મહાનગર પાલિકાની ઊંઘ ઉડાવવા માટે એક સ્ફોટક પત્ર લખી ફરિયાદ કરી હતી કે, વિસીપરામાં ધોળેશ્વર રોડ પર આવેલ જૂથના ડેલાની જગ્યામાં કોમ્યુનિટી હોલ બનાવવાનું કોર્પોરેશને નક્કી કરતો કોન્ટ્રાકટ આપ્યો છે ત્યારે આ કોન્ટ્રાકટર દ્વારા અહીં વર્ષોથી પડેલી 60થી 70 ટન વજનની લોખંડની જૂની પાઈપલાઈન, 8 થી 9 ટન વજન ધરાવતા જુના વાલ્વ, 20 થી 30 ટન વજન ધરાવતી ઇલકેટ્રીક મોટર તેમજ અન્ય સામગ્રી ઉપરાંત ટ્રેક્ટરની જૂની ટ્રોલી, બે જીપ સહિતની વસ્તુઓ ગત તા.21-05-2026ના રોજ જેસીબીથી ટ્રકમાં ભરી લઈ જવાની સાથે પાંચથી છ ટ્રેકટર અન્ય ભંગાર પણ લઈ ગયા હોય કુલ 200 મેટ્રીકટન ભંગાર ક્યાં ગયો તેવા સવાલ ઉઠાવી તપાસની માંગણી કરી હતી.ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગર પાલિકાના હિતમાં નગરપાલિકાના પૂર્વ નગરસેવકે દોઢ મહિના પહેલા તપાસની માંગ કરતી ફરિયાદ કરી હોવા છતાં મહાનગર પાલિકાના કાબિલ અફસરો તપાસ કરવી તો એકબાજુ રહી પરંતુ નગરપાલિકા સમયનો કેટલો ભંગાર અહીં પડ્યો હતો તેનો આંકડો પણ મેળવી શકી ન હોવાનું સામે આવ્યું છે. .જુથના ડેલામાં ભંગાર લઈ જનાર કોન્ટ્રાકટર મુદ્દે આરટીઆઈનો પણ જવાબ ન અપાયોમોરબી શહેરના વીસપરા વિસ્તારમાં જૂથના ડેલામાં કોમ્યુનિટી હોલ બનાવવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાકટર અહીં પડેલ કિંમતી ભંગાર ઉઠાવી જતા ગત તા.29-05-2026ના રોજ માહિતી અધિકારના કાયદા હેઠળ જૂથના ડેલામાં કોમ્યુનિટી હોલના બાંધકામનો કોન્ટ્રાકટ કોને અપાયો છે ? કોન્ટ્રાકટ ટેન્ડર પ્રક્રિયા કરીને અપાયો છે કે, કેમ ? ટેન્ડરની શરતો અને બોલીની નકલ ? જૂથના ડેલામાં રહેલ ઉભા ઇમલા તેમજ વેસ્ટ સામાનનું ડેડસ્ટોક મુજબનું પત્રક તેમજ કોર્પોરેશને અહીંથી ડેડસ્ટોક કબજમાં લીધેલ છે કે, નહીં તે અંગેની વિગતો જાગૃત નાગરિક દલસુખભાઈ મુળજીભાઈ ચૌહાણ દ્વારા માંગવામાં આવતા કોર્પોરેશન દ્વારા આવી વિગતો પણ પુરી પડાવમાં ન આવી હોવાનું સામે આવ્યું છે. ભંગાર ચોરી મામલે ઈન્ટરનલ ઓડિટરને તપાસ સોંપાઈ : ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકાના જૂથના ડેલામાંથી ભંગાર ચોરી અંગે પૂર્વ કાઉન્સિલરની ફરિયાદ કર્યાના દોઢ મહિના બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. બીજીતરફ સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરે સંજય સોનીએ જણાવ્યું હતું કે, હાલમાં ભંગાર ચોરી અંગેની તપાસ ઇન્ટરનલ ઓડિટરને સોંપી છે. જુથના ડેલામાં અંદાજે 1.20 લાખનો ભંગાર સહીત કુલ ૮ લાખનો જૂનો ભંગાર વેચાયો હોવાનું અને હજુ પણ 70 ટકા ભંગાર પડ્યો હોવાનું તેમને જણાવ્યું હતું. મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી સ્ટ્રીટ લાઈટ ચોરીમાં પણ તપાસ ઠેરની ઠેરમહાનગરપાલિકાના કિંમતી માલસામાનની ચોરી કોઈ નવી બાબત નથી એકાદ મહિના પૂર્વે મોરબીના લીલપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના કોમ્યુનિટી હોલમાંથી સ્ટ્રીટ લાઈટનો ભંગાર પણ ચોરાઈ ગયો છે. જો કે, કોંગ્રેસ કરેલી ફરિયાદ બાદ સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરે માત્ર તપાસ શરૂ કરવાની બાંહેધરી આપી હતી.જોકે, ત્યાં ખરેખર કેટલો ભંગાર હતો અને શું ચોરાયું છે તેની સત્તાવાર કોઈ જ માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ નથી, જે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.કોરોના કાળના સિમેન્ટ કૌભાંડમાં પણ તંત્રની બેદરકારીમોરબીમાં વર્ષ ૨૦૨૦-૨૧ના કોરોના સમયગાળા દરમિયાન નગરપાલિકા સમયમાં મંગાવવામાં આવેલી સિમેન્ટ વપરાયા વિના પડી રહેવાથી જામી ગઈ હતી. તે સમયે પાલિકા સિમેન્ટ આપતી અને સોસાયટી મજૂરી ભોગવતી તેવી વ્યવસ્થા હતી. પરંતુ ચાર મહિના સુધી કોઈ કામ ન થતાં અને અધિકારીઓની બદલી થવાને કારણે લાખો રૂપિયાની સિમેન્ટનો જથ્થો બગડીને પથ્થર થઇ ગયો હતો. આ ગંભીર બેદરકારી મામલે બે ચીફ ઓફિસર અને એન્જિનિયરોની પૂછપરછ બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનું સામે આવ્યું છે. નંદીઘર ઘાસચારો અને કન્ટેનર ખરીદીમાં ગેરરીતિમોરબી શહેરમાંથી રસ્તે રઝળતા ગૌવંશને પકડી રાખવા માટે નગર પાલિકા સમયે નંદીઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે,નંદીઘરમાં ઘાસચારાની માહિતી માંગવામાં આવતા તપાસમાં ખૂલ્યું કે તેનું કોઈ રજિસ્ટર નિભાવવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત, ૧૦-૧૦ લાખ રૂપિયાના ઊંચા ભાવે કન્ટેનરો ખરીદવામાં આવ્યા હોય ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા પરંતુ નગર પાલિકા દ્વારા કન્ટેનરની ખરીદી જેમ પોર્ટલ મારફતે થઈ હોવાનો બચાવ કરાયો હતો. આ વહીવટી અનિયમિતતા મામલે તત્કાલીન ચીફ ઓફિસર અને પ્રમુખ પાસે ખુલાસો મંગાયો હતો, પરંતુ પ્રમુખ નિવૃત્ત થઈ ગયા હોવાથી કોઈ કડક કાર્યવાહી શક્ય નથી.કોર્પોરેશનના હાજરી કૌભાંડમાં મામલો હાઇકોર્ટમાં જતા તપાસ વિલંબિતમોરબી મહાનગરપાલિકામાં રોજમદાર હંગામી કર્મચારીઓ દ્વારા ફરજ પર ના આવતા કર્મચારીઓની હાજરી પુરી કોર્પોરેશનને લાખો રૂપિયાનો ધૂંબો મારવાના ચકચારી હાજરી કૌભાંડમાં અત્યાર સુધીમાં માત્ર ૧૦ જેટલા કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે. જો કે, છેલ્લા ચારથી પાંચ મહિનાથી આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે,પરંતુ આરોપીઓ હાઇકોર્ટમાં ગયા હોવાથી કાનૂની ગુંચના કારણે તપાસ આગળ ધપી ન હોવાનું તપાસનીશ અધિકારી પીઆઇ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું.