કચ્છમાં કોપર વાયરના ભંગારનો સોદો કરાવી, એડવાન્સ પેમેન્ટ પેટે બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી માલ ન આપી ઠગાઈ આચરીમોરબી અપડેટ : મોરબીમાં ભંગારના વેપારીઓને કોપરનો ભંગાર સસ્તામાં અપાવવાની લાલચ આપીને 15,98,720 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર વેપારીએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર ખાતે ઘુંટું રોડ પર તુલસી પાર્કમાં રહેતા અને 'ધરતી સ્ક્રેપ ટ્રેડીંગ' નામે ભંગારનો વેપાર કરતા હરીલાલ વિરૂજી ગુર્જર (ઉ.વ. 42) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની અને અન્ય એક વેપારી અંકિત મહાદેવ વિકાણી સાથે આ છેતરપિંડી થઈ છે. આ ગુનામાં આરોપી નિતેષ લાભુભાઈ દેવીપૂજક (રહે. ઇન્દિરાનગર, મોરબી-2) અને ઇરફાન (રહે. નાના ખીજડીયા, તા. ટંકારા) એ એજન્ટ તરીકે ભૂમિકા ભજવી હતી.આરોપીઓએ કચ્છમાં માતાના મઢ પાસે એક પવનચક્કીની કંપનીમાં કોપર કેબલનો મોટો ભંગાર પડ્યો હોવાની વાત કરી, હરીલાલ અને અંકિતને ભંગાર બતાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીના નામે માલ ખરીદવા માટે એડવાન્સ પેમેન્ટ કરવાનું કહીને કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટ નંબર 9050354347 માં હરીલાલ પાસેથી 9,48,720 રૂપિયા અને અંકિત પાસેથી 6,50,000 રૂપિયા મળી કુલ 15,98,720 રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા.રૂપિયા જમા થયા બાદ આરોપીઓએ કોઈ કોપર ભંગાર ભરી આપ્યો ન હતો અને મુખ્ય આરોપીઓ ઇમ્તીયાઝ તથા મયુરે પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. બાદમાં એજન્ટ ઇરફાને હરીલાલ સમક્ષ કબૂલાત કરી હતી કે આ કામમાં તેને 2,00,000 રૂપિયાનું કમિશન મળવાનું હોવાથી બધાએ ભેગા મળીને અગાઉથી આ કાવતરું રચ્યું હતું. આ બનાવ અંગે હરીલાલની ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે નિતેષ લાભુભાઈ દેવીપૂજક, ઇરફાન, કોટક મહિન્દ્રા બેન્કના ખાતાધારક, ઇમ્તીયાઝ અને મયુર સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 316(5), 318(2), 3(5) અને 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વાય. પી. વ્યાસ ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CyberCrime #FraudCase #MorbiPolice #CrimeNews #GujaratPolice