મોરબી : લગ્ન પ્રસંગમાં હળવદના સરા ગામેથી મોરબી આવેલા મહેમાનની સ્કોર્પિયો કાર તસ્કરો હંકારી જતા મોરબી સીટી એ.ડીવી.માં કાર માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. મૂળ હળવદના રણજીતગઢ ગામના રહેવાસી અને હાલ હળવદના સરા ગામે ઉમિયાનગરમાં રહેતા 23 વર્ષીય મિતેષભાઈ અમૃતલાલ ઓડિયા નામનો યુવાન પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા મોરબીના નવલખી રોડ સ્થિત કુબેરનગર વિસ્તારમાં ત્રિલોકધામ વાળી શેરીમાં આવ્યો હતો. અહીં રાત્રી દરમ્યાન તેણે પાર્ક કરેલી કાર નંબર GJ 36 F 4345 કિંમત રૂ.3 લાખ કોઈ શખ્સો હંકારી ગયા હતા. સવારે કાર ચોરીની જાણ થતાં મિતેષભાઈએ એ.ડીવી.પો. મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાના શરૂ કરી તસ્કરોની ભાળ મેળવવા કવાયત આદરી છે.